તમારું ચૂંટણીકાર્ડ ખોવાઈ ગયું હોય તો પણ કરી શકશો મતદાન, આ 12 દસ્તાવેજોમાંથી કોઈ પણ સાથે લઈ જજો

લોકસભા ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC (ચૂંટણીકાર્ડ) રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.
રાજ્યની 26 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા ૦૫ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તા.07-05-2024ના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPICની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.
આ 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે
- પાસપોર્ટ
- આધાર કાર્ડ
- મનરેગા જોબ કાર્ડ
- બેંક/પોસ્ટ ઓફિસની ફોટાવાળી પાસબુક
- હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
- ડ્રાઇવીંગ લાયસન્સ
- પાનકાર્ડ
- આર.જી.આઇ સ્માર્ટ કાર્ડ
- ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ
- કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો
- સંસદસભ્યો / ધારાસભ્યો / વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો
- ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડ
NRIની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

