વોટર ID કે આધાર કાર્ડથી ભારતીય નાગરિકતા સાબિત નહીં થાય!' કોલકાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

કોલકાતા હાઇકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે મતદાર આઇડી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બૅંક એકાઉન્ટ ભારતીય નાગરિકતાનો પુરાવો ન હોવાનો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. મુર્શિદાબાદનો નાસિર નામનો વ્યક્તિ બાંગ્લાદેશી હોવાની આશંકાના કારણે લાલગોલા ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. જસ્ટિસ દેબાંગ્સુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ શબ્બર રશીદીની પીઠે રાજ્ય સરકારની કાર્યવાહીમાં દખલ કરવાનો પણ ઇન્કાર કરી દીધો છે.
અરજદારે કોર્ટમાં કયા દસ્તાવેજો રજૂ કર્યા?
બાંગ્લાદેશી હોવાની આશંકાના કારણે નાસિર ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. કોર્ટે નાસિર અને તેના પિતરાઈ ભાઈ સુમન મોલ્લાને ભારતીય નાગરિક સાબિત કરવા માટે અનેક તકો આપી હતી, જોકે તેઓ તે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. નાસિર કોર્ટમાં પોતાનું જન્મ-પ્રમાણપત્ર રજૂ કરી શક્યો નથી. તેની તરફથી સુમને કોર્ટમાં એક મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બૅંકની પાસબુક રજૂ કરી હતી.
કોર્ટે દસ્તાવેજો પર શું કહ્યું?
હાઇકોર્ટની પીઠે આ દસ્તાવેજોને નાગરિકતાનો ચોક્કસ કે પાક્કો પુરાવો માનવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, "મતદાર ઓળખપત્ર ભારતીય નાગરિકતાનો નિર્ણાયક પુરાવો નથી, તે માત્ર મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોવાનો જ પુરાવો છે. SIR પ્રક્રિયા કરતી વખતે નાસિરનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાયું હતું."
આધાર-પાન-બૅંક એકાઉન્ટ અંગે કોર્ટે શું કહ્યું?
આ સાથે કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, "આધાર કાર્ડ પણ ભારતીય નાગરિકતાનો પાક્કો પુરાવો ન હોઈ શકે. આ ઉપરાંત કોર્ટે પાન કાર્ડ અને બૅંક એકાઉન્ટના દસ્તાવેજો મામલે પણ આવી જ ટિપ્પણી કરી છે."
અરજદાર નાસિર અને સુમનની દાનત પર કોર્ટને શંકા
કોર્ટે અરજદાર નાસિર અને સુમનની દાનત પર શંકા વ્યક્ત કરી છે. તેમના દાવામાં ઘણી વિસંગતતા સામે આવી છે. સુમને દાવો કર્યો હતો કે, નાસિરના પિતાનું 1980માં નિધન થયું હતું, જેના કારણે તેણે જ નાસિરની દેખરેખ રાખી છે. કોર્ટે સુમનનો આ દાવો ફગાવી દીધો છે, કારણ કે રૅકોર્ડ મુજબ નાસિરની ઉંમર 46 વર્ષ છે, જ્યારે તેની દેખરેખ રાખતો હોવાનો દાવો કરનાર સુમનની ઉંમર 38 વર્ષ છે.
અરજદારના દાવામાં અનેક વિસંગતતા
પોલીસ પૂછપરછમાં સુમને પોતાને નાસિરનો પિતરાઈ ભાઈ હોવાનો દાવો કર્યો હતો, જોકે પછી તેણે કોર્ટમાં નાસિર તેના કાકા હોવાનું કહ્યું હતું. નાસિરે પોતાના માતા-પિતાનું નિધન થયું હોવાનું અને તેમને દફન કર્યા હોવાનું કહ્યું હતું, પરંતુ માતા-પિતાને ક્યાં દફન કરાયા છે તેની માહિતી તે આપી શક્યો નહોતો. આ બાબતે કોર્ટે ટિપ્પણી કરી કે, જો નાસિરે દફન કરેલું સ્થળ દર્શાવ્યું હોત તો DNA ટેસ્ટ કરાવીને સત્ય જાણી શકાયું હોત.
આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના વકીલે પીઠને કહ્યું હતું કે, નાસિરે પોલીસ કસ્ટડીમાં કબૂલાત કરી હતી કે તે એક બાંગ્લાદેશી નાગરિક છે અને વર્ષો પહેલા ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસ્યો હતો.

