VIDEO: પટનામાં ભાજપ અને કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, પથ્થરમારો અને લાઠીચાર્જ થતાં અફરાતફરી
બિહારની રાજધાની પટનામાં બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે હિંસક ઝઘડો થતાં સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ભાજપના કાર્યકરો કૉંગ્રેસના પ્રદેશ મુખ્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા તે સમયે બંને પક્ષોના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. જોતજોતામાં વાતાવરણ બગડ્યું હતું અને બંને તરફથી જોરદાર પથ્થરમારો તેમજ લાઠીબાજી શરૂ થઈ ગઈ હતી.
રાહુલ ગાંધીના પ્રદર્શનના વિરોધમાં ભાજપનું આંદોલન
મળતી માહિતી મુજબ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસ દ્વારા વિતેલા દિવસે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના વિરોધમાં ભાજપ દ્વારા દેશવ્યાપી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ ઝુંબેશના ભાગરૂપે ભાજપના કાર્યકરો પટના સ્થિત કૉંગ્રેસના પ્રદેશ કાર્યાલય 'સદાકત આશ્રમ' તરફ માર્ચ કરી રહ્યા હતા.
રસ્તા પર પથ્થરમારો અને ભારે અફરાતફરી
ભાજપના માર્ચ દરમિયાન સદાકત આશ્રમ બહાર હાજર કૉંગ્રેસના કાર્યકરો સાથે તેમની તીખી બોલાચાલી અને તકરાર થઈ હતી. જોતજોતામાં આ નોકઝોંક હિંસક ઝડપમાં ફેરવાઈ ગઈ હતી બંને પક્ષોના કાર્યકરોએ એકબીજા પર આડેધડ પથ્થરમારો કર્યો હતો અને લાઠીઓ વડે હુમલો કર્યો હતો. પથ્થરમારાને કારણે રસ્તા પર નાસભાગ મચી ગઈ હતી અને નજીકના દુકાનદારો તેમજ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
પોલીસનો ભારે કાફલો તૈનાત
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા બળ તૈનાત કરી દીધું છે. હાલ પોલીસે બંને જૂથોને વિખેરીને આશ્રમ આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે અને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
દેશમાં શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા કૌભાંડોને લઈને શરૂ થયેલું આંદોલન હવે દિલ્હીથી નીકળીને સમગ્ર દેશમાં વ્યાપક બની ગયું છે. જંતર-મંતરથી શરૂ થયેલું આ પ્રદર્શન હવે દેશના અનેક રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું છે, જેને કારણે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો, વિદ્યાર્થીઓ અને સામાજિક સંગઠનો સાથે મળીને સરકાર ઘેરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ પણ વળતો પ્રહાર કરી રહ્યું છે. સંસદ માર્ચ દરમિયાન ઘર્ષણ અને રાહુલ ગાંધીની અટકાયત બાદ 'ધરણાં સામે ધરણાં'ની રાજનીતિ તેજ બની છે, જેના પરિણામે પટણા, જયપુર અને ભોપાલ જેવા શહેરોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા છે અને બંને પક્ષો વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે.
સંસદ પરિસરમાં વિપક્ષનો વિરોધ
બુધવારે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ સંસદ પરિસરમાં મકરદ્વારની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે અનેક સાંસદો કાળા કપડાં પહેરીને આવ્યા હતા.
જંતર-મંતરથી સંસદ માર્ચ અને પોલીસ કાર્યવાહી
આ આંદોલનની શરૂઆત જંતર-મંતરથી થઈ હતી, પરંતુ વિરોધ વધતાં પ્રદર્શનકારીઓએ સંસદ તરફ માર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બેરિકેડ લગાવીને તેમને રોકતા અનેક સ્થળોએ ઘર્ષણ અને લાઠીચાર્જની ઘટનાઓ બની હતી. પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરી હતી. સોશિયલ મીડિયા પર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની તસવીરો અને વીડિયો વાઇરલ થતાં સમગ્ર દેશમાં ભારે ચર્ચા જાગી છે.

