VIDEO/ ભારતના પ્રથમ ખાનગી રોકેટ 'વિક્રમ-વન'નું લોન્ચિંગ સાઇટ તરફ પ્રસ્થાન, CM રેવંત રેડ્ડીએ આપી લીલી ઝંડી
ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-વનને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ હૈદરાબાદ સ્થિત કંપનીના મેક્સ-ક્યૂ કેમ્પસમાંથી વિધિવત રીતે રવાના કર્યું.. આ રોકેટ હવે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચ સાઇટ માટે સત્તાવાર રીતે પ્રસ્થાન કરી ચૂક્યું છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રોકેટના સ્પેસ-રેડી પેલોડ ફેરિંગને લીલી ઝંડી બતાવી હતી. પેલોડ ફેરિંગ એવું માળખું છે જે ઉડાન દરમિયાન રોકેટની અંદર રહેલા ઉપગ્રહોને સુરક્ષિત રાખે છે. આ ઘટના તેલંગાણાને એરોસ્પેસ ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.. રેડ્ડીએ કહ્યું કે, રાજ્ય સરકાર વૈશ્વિક યુનિવર્સિટીઓ અને ઉદ્યોગના અગ્રણી ભાગીદારો સાથે સહયોગ કરી યુવાનોને એરોસ્પેસ ક્ષેત્રમાં કૌશલ્યબદ્ધ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મજબૂત નીતિઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સરકાર સ્કાયરૂટ જેવી કંપનીઓને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.

