VIDEO: માનવતા શર્મસાર! પૂણેમાં માસૂમ બાળકીની ક્રૂર હત્યાના વિરોધમાં ઉમટ્યું માનવ મહેરામણ, બજારો સ્વયંભૂ બંધ
VIDEO: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના એક ગામમાં માનવતાને શરમાવે તેવી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં એક 65 વર્ષીય વૃદ્ધ દ્વારા ચાર વર્ષની નિર્દોષ બાળકી પર જાતીય હુમલો કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ઉશ્કેરાટ ફેલાયો છે.
ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાથમાં પોસ્ટરો તેમજ બેનરો લઈ વિરોધ રેલી નિકાળી હતી. આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સ્થાનિક વેપારીઓએ પણ સ્વયંભૂ રીતે પોતાની દુકાનો અને ધંધા-રોજગાર બંધ રાખીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
સુરક્ષા સામે સવાલ:
આ ઘટનાએ બાળકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોની માંગ છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવામાં આવે અને આરોપીને એવી સજા મળે જે સમાજમાં એક દાખલો બેસાડે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ જનતાનો રોષ જોતા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

