Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : UP's D.CM Mauryan has been appointed as the BJP High Command

'સરકાર કરતા સંગઠન મોટું છે...', નિવેદન કરનાર યુપીના ડે.સીએમ મૌર્યને ભાજપ હાઈકમાન્ડનું તેડું

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2024
લાઇવ ટીવીGoogle News
'સરકાર કરતા સંગઠન મોટું છે...', નિવેદન કરનાર યુપીના ડે.સીએમ મૌર્યને ભાજપ હાઈકમાન્ડનું તેડું

ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારનાં કારણોની સમીક્ષા કરવા બોલાવાયેલી બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની હાજરીમાં તડાફડી થઈ હતી. એ પછી આજે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સવારે 11:00 વાગ્યે ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થયા છે. તેઓ યુપીની સ્થિતિ અંગે દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી શકે છે. 

App Store

કેશવ પ્રસાદ મૌર્યે સંગઠનની યોજાયેલી બેઠકમાં મોટું નિવેદન આપ્યું હતું કે, હું પહેલા ભાજપનો કાર્યકર્તા છું બાદમાં ડેપ્યુટી સીએમ છું. સંગઠન સરકાર કરતા મોટું હતું, મોટું છે અને હંમેશા મોટું રહેશે. ભાજપના તમામ કાર્યકર્તા મારું ગૌરવ છે. તેમના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.

સવાલ એ છે કે કેશવ મૌર્યના આ નિવેદનનો અર્થ શું છે? જે સમયે તેમણે આ નિવેદન આપ્યું તે સમયે મંચ પર ભાજપના શીર્ષ નેતૃત્વના દિગ્ગજ નેતાઓ હાજર હતા. યુપીમાં ભાજપ સંગઠન અને સરકાર સામસામે આવી ગયાં હોવાનું આ બેઠકે સ્પષ્ટ કરી દીધું છે. 

જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની મજબૂત મતબેંક મનાતા ઓબીસી મતદારોને ખુશ કરવા સવર્ણ યોગીને બદલીને ઓબીસી મૌર્યને બેસાડવા આતુર છે. યોગીને હટાવી મૌર્યને બેસાડવાની છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે લખનઉમાં યોજાયેલી આ બેઠકમાં યોગી આદિત્યનાથને સ્થાને કેશવ પ્રસાદ મૌર્યને બેસાડવાનો તખ્તો ઘડવા માટેની હાઈકમાન્ડની ઈચ્છા પર પણ યોગીએ પાણી ફેરવી દીધું છે. યોગીએ આડકતરી રીતે ભાજપની હાર માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, ભાજપ અતિ આત્મવિશ્વાસને કારણે હાર્યો છે.

કેશવ પ્રસાદે યોગીને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, સંગઠન સરકાર કરતાં ઉપર છે અને કોઈ વ્યક્તિ કે સરકાર સંગઠનથી ઉપર ના હોઈ શકે. મૌર્યે એવો કટાક્ષ પણ કર્યો કે, કાર્યકરોનું જે દર્દ છે એ મારું પણ દર્દ છે. આડકતરી રીતે સરકારના દ્વાર ભાજપના કાર્યકરો માટે ખુલ્લાં નથી એવો આક્ષેપ કરીને કહ્યું કે, ભાજપના કાર્યાલયનાં દ્વાર્રાકર્યકર માટે હંમેશાં ખુલ્લાં છે. યુપીમાં પોલીસ કે સરકારી કર્મચારીઓ ભાજપના કાર્યકરોને ગણકારતા જ નથી તેથી કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા હતા તેને ભાજપની હારનું મુખ્ય કારણ ગણાવાય છે. 

યોગીએ મૌર્યની વાતનો જવાબ આપતાં કહ્યું કે, યુપીમાં પોતે જે રીતે સરકાર ચલાવે છે એ રીતે જ સરકાર ચલાવશે અને કોઈના કહેવાથી જરાય ફરક નહીં પડે. યુપીમાં ભાજપ અતિ આત્મવિશ્વાસમાં હાર્યો છે એવું કારણ રજૂ કરીને યોગીએ હારની જવાબદારી સંગઠન પર નાંખી દીધી. યોગીએ કહ્યું કે, ભાજપના કાર્યકરો સોશિયલ મીડિયામાં માત્ર ગુડ મોર્નિંગના મેસેજ મોકલી શકે છે પણ વિપક્ષો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલી દેશે કે અનામત નાબૂદ કરી દેશે એવો પ્રચાર કરતા હતા તેનો જવાબ કેમ ના આપી શક્યા.

નોંધનીય છે કે, લખનઉમાં ભાજપની હાર અને જીત અંગે મહામંથન કરીને પ્રદર્શનને લઈને એક-એક પોઈન્ટને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુપીના સીએમએ પણ પોતાનું સંબોધન આપ્યું હતું પરંતુ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યનું નિવેદન ચર્ચામાં રહ્યું હતું.