Video: યુપીમાં 2.89 કરોડ મતદાતાઓના નામ કપાશે, SIRનું ડ્રાફ્ટ લિસ્ટ જાહેર
ચૂંટણી પંચ (ECI) એ આજે ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાના ભાગ રૂપે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. રિવિઝન યાદી જાહેર થતાં 2.89 કરોડ મતદાતાઓના નામ હટી જશે. SIR પછી ઉત્તર પ્રદેશમાં 12 કરોડ 55 લાખથી વધુ મતદારો છે. સુધારા પછી કુલ 46 લાખ મતદારો મૃત હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રાફ્ટ યાદી મૂળ 31 ડિસેમ્બરે પ્રકાશિત થવાની હતી, પરંતુ હવે સુધારેલા સમયપત્રક મુજબ આજે કમિશનની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે દાવા અને વાંધા દાખલ કરવાનો સમયગાળો 6 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી, 2026 સુધી નક્કી કરવામાં આવ્યો છે. 6 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી, 2026 સુધીના નોટિસ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલા તમામ દાવા અને વાંધાનો ઉકેલ લાવવામાં આવશે.
મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણા સંબંધિત તમામ ગણતરી ફોર્મ પ્રાપ્ત થઈ ગયા છે અને તેનું ડિજિટાઇઝેશન પૂર્ણ થઈ ગયું છે. સુધારેલા સમયપત્રક મુજબ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા પછી એક મહિનાની સમય મર્યાદામાં નાગરિકોને ઉમેરાઓ, સુધારાઓ અથવા વાંધા માટે અરજી કરવાનો સમય આપવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ માટે અંતિમ મતદાર યાદી 6 માર્ચ, 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. પંચે મતદારોને ડ્રાફ્ટ યાદીમાં તેમના નામ તપાસવા અને કોઈપણ ભૂલ કે ચૂક હોય તો નિર્ધારિત સમયમર્યાદામાં દાવા કે વાંધા નોંધાવવા અપીલ કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, "15 કરોડથી વધુ મતદારોમાં એવા હતા જેમણે પોતે સહી કરી અથવા પરિવારના કોઈ સભ્યે સહી કરીને આપ્યા હતા. લગભગ 81 ટકા મતદારોએ પોતાની સહી સાથે જૂની મતદાર યાદી પરત કરી હતી. 18 ટકા લોકોએ ફોર્મ પરત નહોતા કર્યા. મૃત મતદારોની સંખ્યા 46.23 લાખ હતી, ટ્રાન્સફર થયેલા મતદારો એટલે કે સ્થળાંતર કરનારાઓની સંખ્યા 2.17 કરોડ છે. 25.47 લાખથી વધુ મતદાતાઓના એક કરતાં વધુ જગ્યાએ નામ નોંધાયેલા હતા. ડ્રાફ્ટમાં નામ ન હોય તેવા મતદારોની કુલ સંખ્યા 2.89 કરોડ છે.

