Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Union Minister Shivraj Singh introduced the VB-GRAM G'Bill

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે રજૂ કર્યું VB-GRAM G'બિલ, લોકસભામાં નવા બિલ મુદ્દે હોબાળો

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે રજૂ કર્યું VB-GRAM G'બિલ, લોકસભામાં નવા બિલ મુદ્દે હોબાળો
સોર્સ : GOOGLE

લોકસભામાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 'વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) - VB-GRAM G' બિલ, 2025 રજૂ કર્યું હતું. સંસદમાં મનરેગા(MGNREGA) કાયદાને નાબૂદ કરી તેની જગ્યાએ આ નવું બિલ લાવવા મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ 'વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) - VB-GRAM G' બિલ, 2025નો સખત વિરોધ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ નવું બિલ રોજગારના કાયદાકીય અધિકારને નબળો પાડે છે અને સત્તાનું કેન્દ્રીકરણ કરે છે.

App Store

શિવરાજ સિંહ ચૌહાણે  જણાવ્યું કે, આ નવું બિલ કેમ લાવવામાં આવ્યું. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, મહાત્મા ગાંધી આપણા હૃદયમાં વસે છે. મનરેગામાં ઘણી ખામીઓ હતી જેને દૂર કરવાની જરૂર હતી. એટલા માટે જ નવું બિલ લાવવામાં આવી રહ્યું છે જેથી જમીની સ્તરે તેની અસર વધે અને લોકોને વધુને વધુ ફાયદો મળે. NDA સાથી પક્ષોના વલણ અંગે જોઈએ તો, ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીએ ચોક્કસપણે પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે આ બિલ રાજ્ય સરકારો પર જે નાણાકીય બોજ વધશે તેનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેઓ સરકારને ટેકો આપવા પણ તૈયાર છે, જ્યારે વિપક્ષ સતત હુમલો કરી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર જાણી જોઈને આ યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરી રહી છે.

યોજનાઓના નામ બદલવા પર પ્રિયંકા ગાંધીએ કરી ટીકા

પ્રિયંકા ગાંધીએ સરકારની ટીકા કરતા કહ્યું કે, 'સરકારને દરેક યોજનાનું નામ બદલવાની જે સનક છે, તે સમજાતી નથી. જ્યારે પણ નામ બદલવામાં આવે છે, ત્યારે સરકારી તિજોરી પર મોટો ખર્ચ થાય છે. કોઈ પણ બિલ કોઈની અંગત મહત્વકાંક્ષા કે પૂર્વગ્રહના આધારે રજૂ ન થવું જોઈએ.' તેમણે આ બિલને પાછું ખેંચીને સ્થાયી સમિતિ પાસે મોકલવાની માંગ કરી છે.

કોંગ્રેસના સાંસદ રંજીતા રંજને કહ્યું કે, નામ બદલીને સરકાર મુળ મુદ્દાઓ પર ચર્ચા કરવાથી ધ્યાન ભટકાવી રહી છે. સરકારને હવે મહાત્મા ગાંધીના નામથી પણ તકલીફ છે. 

મનરેગાના મૂળ અધિકારો પર જોખમ

કોંગ્રેસ સાંસદે નવા બિલની ખામીઓ ગણાવતા ચિંતા વ્યક્ત કરી હતી કે, 'આ કાયદાથી રોજગારનો કાયદાકીય અધિકાર નબળો પડશે અને મનરેગામાં અત્યાર સુધી જે કામની પાકી ગેરંટી મળતી હતી, તે હવે જોખમમાં મુકાશે.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આ બિલ દ્વારા કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીઓ ઓછી કરી રહી છે અને સત્તાનું નિયંત્રણ પોતાના હસ્તક વધારી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, અત્યાર સુધી મનરેગામાં કેન્દ્ર સરકાર 90% ગ્રાન્ટ આપતી હતી, પરંતુ નવા બિલની જોગવાઈ મુજબ હવે રાજ્યોએ 60% હિસ્સો ભોગવવો પડશે, જેના કારણે રાજ્યોની અર્થવ્યવસ્થા પર અસહ્ય બોજ વધશે.'