VIDEO: પોલીસ તપાસમાં દખલગીરી બંધ થવી જોઈએ: સિંગર અંકિત બલિયાન મર્ડર કેસ પર કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત સિંહનું આક્રમક વલણ
જાણીતા હરિયાણવી સિંગર અને અભિનેતા અંકિત બાલિયાનની હત્યાના મામલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત સિંહે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી.
પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત સિંહે જણાવ્યું હતું કે, “હાલના સમયે અમારું સંપૂર્ણ ધ્યાન પરિવારની પ્રતિક્રિયા અને તેમને ધીરજ તથા સાંત્વના આપવા પર છે. તમામ લોકો અહીં પરિવારને સંભાળવા અને સમર્થન આપવા માટે એકઠા થયા છે. આ ઘટનાનું સ્વરૂપ એવું છે કે તેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે અને હવે દરેકની નજર એ વાત પર રહેશે કે પરિવારને કઈ રીતે ન્યાય મળે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “મેં આ સમગ્ર મામલે મુખ્યમંત્રી સાથે પણ સીધી વાતચીત કરી છે. મુખ્યમંત્રી આવા ગંભીર મામલાઓમાં હંમેશા અત્યંત સંવેદનશીલ અને ગંભીર રહે છે. સમગ્ર સરકાર અને વહીવટી તંત્રમાં આ અંગે સ્પષ્ટ અને કડક સંદેશ પહોંચાડી દેવામાં આવ્યો છે.”
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે, “કાયદો અને વ્યવસ્થા ત્યારે જ વધુ મજબૂત અને પ્રભાવશાળી બને છે જ્યારે જનતા ધીરજ જાળવે, પોલીસની કામગીરીમાં બિનજરૂરી, અનૈતિક કે રાજકીય દખલગીરી નહિવત થાય અને સરકાર પોલીસ દળને વધુ સક્ષમ તથા મજબૂત બનાવવા માટે સુધારાત્મક પગલાં ભરે.”

