'PM MODI બધાને ચોંકાવશે..', કેસી ત્યાગી બાદ વધુ એક કેન્દ્રીય મંત્રીએ નીતિશ કુમારને 'ભારત રત્ન' આપવાની કરી માંગ

કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની આવામી મોરચા (સેક્યુલર) ના વડા જીતનરામ માંઝીએ શનિવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની માંગ કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની સરકાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ એવોર્ડ આપીને બધાને આશ્ચર્યચકિત કરશે.
માંઝીની માંગ નીતિશ કુમારના પક્ષના સાથી કે.સી. ત્યાગીની પણ આવી જ માંગણીને અનુસરીને આવી છે. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, "ભારત રત્ન નીતિશ કુમાર જી... આ શબ્દો સાંભળવા કેટલું સારું લાગશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોતાના નિર્ણયોથી બધાને ચોંકાવનારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીબિહારના માનનીય મુખ્યમંત્રી નીતિશ કુમારને ભારત રત્ન આપવાનો નિર્ણય લઈને ફરી એકવાર બધાને આશ્ચર્યચકિત કરશે.
નોંધનીય છે કે શુક્રવારે જેડીયુના નેતા કે.સી. ત્યાગીએ નીતિશ કુમારને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે બિહારના મુખ્યમંત્રી એનડીએના સ્થાપક સભ્યોમાંના એક છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ ચૌધરી ચરણ સિંહ અને સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. અમે આ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. નીતિશ કુમાર સમાજવાદી ચળવળ સાથે સંકળાયેલા સૌથી પ્રતિભાશાળી નેતાઓમાંના એક છે જે હજુ પણ જીવંત છે. તેઓ એનડીએના સ્થાપકોમાંના એક છે. તેઓ 'સુશાસન બાબુ' છે. અમે વિનંતી કરી છે કે તેઓ જીવિત હોય ત્યાં સુધી તેમને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે.
જેડીયુએ કેસી ત્યાગીના નિવેદનથી દૂરી બનાવી
થોડા કલાકો પછી જેડીયુએ કેસી ત્યાગીની માંગથી દૂરી બનાવી. જેડીયુ નેતા રાજીવ રંજન પ્રસાદે શનિવારે કહ્યું કે, ત્યાગીના નિવેદનનો પાર્ટીની પ્રવૃત્તિઓ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સ્વસ્થ છે. તેઓ સતત રાજ્યના લોકોની સેવા કરી રહ્યા છે. તેમનો (કેસી ત્યાગી) પક્ષની પ્રવૃત્તિઓ સાથે કોઈ સંબંધ નથી. તેમના નિવેદનો વ્યક્તિગત રીતે આપવામાં આવ્યા હતા અને પક્ષનો તેમની સાથે કોઈ સંબંધ નથી.

