મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેન્દ્રીય મંત્રી બંદી સંજયના પુત્ર ભગીરથનું હાઈડ્રામા વચ્ચે આત્મસમર્પણ,  POCSO કેસમાં કોર્ટે જેલમાં મોકલ્યો

તેલંગાણાના રાજકારણ અને રાષ્ટ્રીય સ્તરે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્

કેન્દ્રીય મંત્રી બંદી સંજયના પુત્ર ભગીરથનું હાઈડ્રામા વચ્ચે આત્મસમર્પણ,  POCSO કેસમાં કોર્ટે જેલમાં મોકલ્યો
આ સમાચાર સાંભળો

તેલંગાણાના રાજકારણ અને રાષ્ટ્રીય સ્તરે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંદી સંજય કુમારના પુત્ર બંદી ભગીરથે હૈદરાબાદની એક સ્થાનિક અદાલતમાં આત્મસમર્પણ કરી દીધું છે. ભગીરથ વિરુદ્ધ એક સગીરા સાથે સંબંધિત POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયા બાદ તે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતો. કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.

શું છે સમગ્ર મામલો?

મળતી વિગતો અનુસાર, હૈદરાબાદના માધાપુર પોલીસ સ્ટેશનમાં બંદી ભગીરથ વિરુદ્ધ એક સગીરાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં ભગીરથ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, જેના કારણે પોલીસે પોક્સો એક્ટની સંબંધિત કલમો અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો. કેન્દ્રીય મંત્રીના પુત્રનું નામ સામે આવતા જ આ મામલાએ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને વિપક્ષી પક્ષોએ સરકાર અને પોલીસ તંત્ર પર દબાણ વધારવાનું શરૂ કર્યું હતું.

હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ આત્મસમર્પણ

ગુનો નોંધાયા બાદ બંદી ભગીરથે ધરપકડથી બચવા માટે તેલંગાણા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની જામીન અરજી ફગાવી દીધી હતી. અને સરેન્ડર થવા પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટ તરફથી કોઈ રાહત ન મળતા આખરે ભગીરથ પાસે કાનૂની શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. તે પોતાના વકીલો સાથે ગુપ્ત રીતે કોર્ટ પરિસરમાં પહોંચીને સરેન્ડર કર્યું હતું.

રાજકીય ગરમાવો અને આગામી વળાંક

કેન્દ્રીય મંત્રીના પુત્રની આત્મસમર્પણની ઘટનાને પગલે તેલંગાણાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષો વચ્ચે આ મુદ્દે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, કોર્ટે ભગીરથની જામીન અરજી પર સુનાવણી મોકૂફ રાખીને તેને જેલ ભેગો કરવાનો આદેશ કરતા પોલીસ હવે આ મામલે વધુ પુરાવા એકત્ર કરવા અને પીડિતાનું નિવેદન નોંધવાની પ્રક્રિયા તેજ કરશે. આગામી દિવસોમાં આ કેસમાં કયા નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો