UJJAIN / ભસ્મ આરતી દરમિયાન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગતા 14 પૂજારીઓ દાઝ્યાં, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Ujjain news : મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં સોમવારે ભસ્મ આરતી દરમિયાન લાગેલી આગમાં સેવકો સહિત 14 પૂજારી દાઝી ગયા હતા. ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંઘે જણાવ્યું હતું કે પૂજા થાળીમાં સળગતા કપૂર ધરાવતો ગુલાલ અથવા રંગીન પાવડર સવારે 5:50 વાગ્યે પડ્યો ત્યારે આગ લાગી હતી.
મધ્યપ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે આગ 'ગુલાલ'માં રહેલા કેમિકલના કારણે લાગી હોઈ શકે છે.
કલેક્ટરે કહ્યું, “ચૌદ પૂજારીઓ દાઝી ગયા. પૂજાની થાળી પર 'ગુલાલ' પડતાં આગ ફાટી નીકળી હતી, જેમાં સળગતું 'કપૂર' હતું. બાદમાં આગ ફ્લોર પર ફેલાઈ ગઈ અને જ્વાળાઓમાં ફેરવાઈ ગઈ.તેમણે કહ્યું કે કેટલાક ઘાયલોની અહીં જિલ્લા હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય આઠ લોકોએ ઈન્દોરમાં સારવાર લીધી છે.
કલેક્ટર નીરજ કુમાર સિંઘે વધુમાં જણાવ્યું હતું કે મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, જે જિલ્લા પંચાયતના સીઈઓ મૃણાલ મીના અને અધિક કલેક્ટર અનુકુલ જૈન દ્વારા હાથ ધરવામાં આવશે અને ત્રણ દિવસમાં અહેવાલ સુપરત કરવામાં આવશે. આ ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પીએમ મોદીએ ઘટનાને 'ખૂબ જ દર્દનાક' ગણાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ ઘટનાને 'ખૂબ જ દર્દનાક' ગણાવી છે.
મોદીએ કહ્યું, “ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જે દુર્ઘટના થઈ તે અત્યંત દુઃખદાયક છે. હું આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા (દાઝેલા) તમામ ભક્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે.”
વડાપ્રધાને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે પણ ફોન પર વાત કરી અને ઘટના અંગે માહિતી લીધી.
મુખ્યમંત્રી મોહન યાદવે જન્મદિવસની ઉજવણી રદ કરી
મુખ્યમંત્રી મોહન યાદવે તેમના સત્તાવાર નિવાસસ્થાને હોળી અને તેમના જન્મદિવસની ઉજવણી રદ કરી અને પીડિતોને મળવા ઈન્દોર થઈને ઉજ્જૈન પહોંચ્યા.
ઈન્દોર અને ઉજ્જૈનમાં પીડિતોને મળવા ઉપરાંત મુખ્યમંત્રીએ મહાકાલ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને પૂજારીઓ અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ગર્ભગૃહની સામે પૂજા અર્ચના કરી.
ભોપાલમાં પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી યાદવે કહ્યું કે હોળીના રંગોથી બચાવવા માટે ગર્ભગૃહની ચાંદીની દિવાલો કાપડથી ઢાંકી દેવામાં આવી હતી. આગ આરતીની થાળી પર ગુલાલ પડ્યા પછી શરૂ થઈ કે પછી ગુલાલમાં કોઈ કેમિકલની પ્રતિક્રિયા થઈ તે જાણી શકાયું નથી.
ઘાયલ વ્યક્તિને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય અને મફત સારવારની જાહેરાત
મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટનામાં દરેક ઘાયલ વ્યક્તિને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય અને મફત સારવારની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે ઘાયલોને શ્રેષ્ઠ ઉપલબ્ધ સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વહીવટીતંત્ર શક્ય તમામ પ્રયાસો કરશે.
તેમણે કહ્યું, “અમારી પ્રાથમિકતા ઘાયલોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવાની છે. મહાકાલની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી.”
મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર હોળીના રંગોના કારણે ડૉક્ટરોને ઈજાગ્રસ્તોની ત્વચા પર દાઝી ગયેલી ઈજાઓ શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

