Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Trump's 50 percent tariff affects textile market

ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ટેક્સટાઈલ માર્કેટને ફટકો, 50 લાખ લોકોના રોજગારને થઈ અસર

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ટેક્સટાઈલ માર્કેટને ફટકો, 50 લાખ લોકોના રોજગારને થઈ અસર
સોર્સ : google

ભારત દર વર્ષે 12 અબજ ડોલરના કપડાની નિકાસ દુનિયામાં કરે છે અને તેમાં અમેરિકામાં થતી નિકાસનો ફાળો લગભગ 28 ટકા જેટલો છે. એમરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા 50 ટકા ટેરિફની અસર ટેક્સટાઈલ સેક્ટર પર દેખાઈ રહી છે તેમ નેશનલ ટેક્સટાઈલ એસોસિયેશનના પ્રમુખ આર.કે.વિજે જણાવ્યું હતું.

App Store

'ભવિષ્યમાં ભારતના કપડાને બીજા દેશોનું માર્કેટ ઉપલબ્ધ થશે'

એમ.એસ. યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીમાં ક્લોધિંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગ દ્વારા યોજાયેલી બે દિવસની નેશનલ ટેક્સટાઈલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપવા માટે આવેલા નેશનલ ટેક્સટાઈલ એસોસિયેશનના પ્રમુખ આર. કે. વિજે જણાવ્યું હતું કે, 'અમેરિકામાં મોટાભાગે ભારતમાંથી કોટન કપડાની નિકાસ થાય છે અને 50 ટકા ટેરિફના કારણે આ નિકાસ અટકી જવાથી કોટન યાર્ન અને કપડા બનાવતી સેંકડો કંપનીઓ બંધ થઈ ગઈ છે અથવા તો તેનું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે. જેની અસર આ સેક્ટરમાં રોજગારી મેળવતા 50 લાખ લોકો પર પડી છે. જોકે આ સ્થિતિ ચારથી પાંચ મહિના જ રહેશે. યુરોપ અને બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થયા હોવાથી નજીકના ભવિષ્યમાં ભારતના કપડાને બીજા દેશોનું માર્કેટ ઉપલબ્ધ થશે.'

'કૃષિ બાદ સૌથી વધારે રોજગારી ટેકસટાઈલ સેકટર આપે છે'

આર. કે. વિજે જણાવ્યું હતું કે, 'ભારતમાં કૃષિ બાદ સૌથી વધારે રોજગારી ટેક્સટાઈલ સેકટર આપે છે. આ ક્ષેત્રમાં અંદાજીત ચાર કરોડ લોકો સીધી અને બીજા 6 કરોડ જેટલા લોકો આડકતરી રોજગારી મેળવી રહ્યા છે. ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ પણ શરૂ કરી છે.'

ભારતમાં માત્ર 12 ટકા કપડાનું રિસાયકલિંંગ થાય છે

ટેક્સટાઈલ સેક્ટર અંગે આર. કે. વિજે જણાવ્યું હતું કે, 'ભારતમાં નાખી દેવાતા કપડામાંથી માત્ર 12 ટકા કપડાનું રિસાયકલ થાય છે. બાકીના કપડા કચરામાં જાય છે અને સરવાળે જમીનને બગાડે છે. તેમાં પણ પોલિએસ્ટર કાપડ તો બાયોડિગ્રેડેબલ પણ નથી અને તે જમીનની સાથે ભૂગર્ભજળને પણ બગાડે છે. અત્યારે ભારતમાં કપડા બનાવવા માટે 50 ટકા કોટન અને 50 ટકા પોલીએસ્ટરનો ઉપયોગ થાય છે. દેશમાં પોલિએસ્ટર કાપડનો પહેલો રિસાયકલિંગ પ્લાન્ટ નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં સ્થપાશે. જેની ક્ષમતા પ્રતિ દિન 100 ટન કાપડનું રિસાયકલિંગ કરવાની હશે.'

ટેક્સટાઈલ સેક્ટરમાં પણ એઆઈનો ઉપયોગ

અન્ય ક્ષેત્રોની જેમ ટેક્સટાઈલ સેક્ટરમાં પણ એઆઈનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. એઆઈના કારણે હવે કપડા બનાવતી ઈન્ડસ્ટ્રીને ઓર્ડર મેળવવા માટે સેમ્પલ બનાવવામાં સમય બગાડવો પડતો નથી. પહેલા એક ડિઝાઈન એપ્રૂવ કરાવવા 10 સેમ્પલ બનાવવા પડતા હતા. હવે એઆઈના કારણે ડિજિટલ સેમ્પલથી કામ ચાલી જાય છે. કપડા બનાવતા મશિનોમાં પણ એઆઈના કારણે માત્ર એક સ્વિચ દબાવીને પ્રોડકશન દરમિયાન ડિઝાઈન બદલી શકાય છે.