CJPના નેતાઓની મુશ્કેલી વધી: આશુતોષ રાંકા-સૌરવ દાસની કસ્ટડી વધારી, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો

દિલ્હીમાં SIR સામે વિરોધ પ્રદર્શન કરવાના મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરભ દાસની મુશ્કેલીઓ વધી છે. દિલ્હી પોલીસે આ મામલો હવે ક્રાઈમ બ્રાંચને સોંપ્યો છે અને બંને નેતાઓની કસ્ટડી બે દિવસ માટે વધારી દેવામાં આવી છે. આ કાર્યવાહી વચ્ચે CJP પક્ષે આરોપ લગાવ્યો છે કે જામીનની સુનાવણીમાં જાણી જોઈને વિલંબ કરીને બંને નેતાઓની અટકાયત અટકાવવામાં આવી રહી છે.
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન અને ધરપકડનું કારણ
CJP એ 10 ઓક્ટોબરે SIR વિરુદ્ધ પ્રદર્શનનું એલાન કર્યું હતું, જેના પગલે દિલ્હીમાં લેન્ડિંગ થતાં જ સૌરભ દાસ, આશુતોષ રાંકા અને અભિજિત દીપકેની અટકાયત કરવામાં આવી હતી. જંતર-મંતરને પ્રતિબંધિત વિરોધ સ્થળોની યાદીમાંથી હટાવવા છતાં આ નેતાઓ દીવાલ કૂદીને ત્યાં પહોંચ્યા હતા અને તિરંગો ફરકાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ મામલે કનોટ પ્લેસ અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ ગંભીર ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. આ કેસમાં અન્ય નેતા અજિંક્ય શિંદેને 5000ના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રાંકા અને દાસની કસ્ટડી લંબાવાતા આગામી સુનાવણી 21 ઓક્ટોબરે હાથ ધરાશે.
અભિજિત દીપકેનું નિવેદન અને આગળની રણનીતિ
પક્ષના પ્રમુખ અભિજિત દીપકે (જેમને 17 ઓક્ટોબરે કનાટ પ્લેસ પર તિરંગો ફરકાવવાના એલાન બાદ અટકાયતમાં લઈને બાદમાં છોડવામાં આવ્યા હતા) જણાવ્યું છે કે, આશુતોષ રાંકા અને સૌરભ દાસ જેલમાંથી બહાર આવ્યા બાદ જ પક્ષ આગામી રણનીતિ તૈયાર કરશે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર લોકો અને વિરોધ પક્ષોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે અને ગેરકાયદેસર રીતે અટકાયત કરી રહી છે.
કાનૂની લડત અને SEM અદાલત સામે રોષ
આ મામલે CJP એ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સાથે પણ સલાહ-સૂચન કર્યા છે. પક્ષના કાનૂની બાબતોનાં વડા રત્ના સિંહે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)ની અદાલતની કાર્યવાહીને 'સર્કસ' ગણાવી છે અને દાવો કર્યો છે કે નેતાઓને જેલમાં રાખવા માટે કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સિંહે તો ત્યાં સુધી કહ્યું કે SEM કોર્ટની નિષ્પક્ષતા જોખમાઈ ગઈ હોવાથી તેને નાબૂદ કરી દેવી જોઈએ.








