Video: TMC સરકારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ઘોર અપમાન કર્યું, PM મોદીના મમતા બેનરજી પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દિલ્હીમાં આશરે રૂ. 33,500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળની TMC સરકાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો અને તેમનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
સંવિધાન અને લોકશાહીનું અપમાન
પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે, "ગઈકાલે પશ્ચિમ બંગાળમાં TMC સરકારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ઘોર અપમાન કર્યું છે. રાષ્ટ્રપતિ સંથાલ સમુદાયના એક મોટા ઉત્સવમાં સામેલ થવા બંગાળ ગયા હતા, પરંતુ તેમનું સન્માન કરવાને બદલે TMC સરકારે આ પવિત્ર આયોજનનો બહિષ્કાર કર્યો. આ માત્ર એક વ્યક્તિનું નહીં, પરંતુ ભારતના સંવિધાન અને લોકશાહીની મહાન પરંપરાનું અપમાન છે."
સત્તાનો અહંકાર જલ્દી ચકનાચૂર થશે
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, પશ્ચિમ બંગાળની જનતા, દેશનો આદિવાસી સમાજ અને મહિલાઓ રાષ્ટ્રપતિના આ અપમાન માટે ક્યારેય માફ નહીં કરે. તેમણે કહ્યું કે, "કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય, તેનો અહંકાર જ તેને લઇ ડુબે છે. TMCની આ ગંદી રાજનીતિ અને સત્તાનો અહંકાર જલ્દી જ ચકનાચૂર થઈ જશે."
શું છે સમગ્ર વિવાદ?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉત્તર બંગાળના પ્રવાસે હતા, જ્યાં દાર્જિલિંગ જિલ્લામાં 9માં આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મૂળ કાર્યક્રમ વિધાનનગરમાં યોજાવાનો હતો, પરંતુ રાજ્ય પ્રશાસને સુરક્ષાનું કારણ ધરીને તેને બાગડોગરા એરપોર્ટ પાસેના નાના મેદાનમાં ખસેડ્યો હતો. રાષ્ટ્રપતિએ પોતે આ ફેરફાર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે નાની જગ્યાને કારણે ઘણા લોકો પહોંચી શક્યા નથી.
પ્રોટોકોલનો ભંગ
રાષ્ટ્રપતિએ મમતા બેનર્જીને 'નાની બહેન' ગણાવીને પૂછ્યું હતું કે, "શું તેઓ નારાજ છે?" કારણ કે તેમને રિસીવ કરવા માટે ન તો મુખ્યમંત્રી કે ન તો કોઈ મંત્રી હાજર રહ્યા હતા. જોકે, મમતા બેનર્જીએ ભાજપના આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે રાજ્ય સરકારને આ કાર્યક્રમ વિશે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નહોતી.

