કેરળ: તિરૂવનંતપુરમ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

કેરળના તિરૂવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
CISF અને ડૉગ સ્કવોર્ડે તપાસ હાથ ધરી
બનાવની જાણ થતા જ પોલીસ અને CISFના જવાનોએ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની મદદથી એરપોર્ટ પર તપાસ અભિયાન હાથ ધર્યું હતું. જોકે, હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી. CISFએ મુસાફરોને શાંતિ રાખવાની અપીલ કરી છે.
એરપોર્ટને ઇમેલ દ્વારા મળી ધમકી
એરપોર્ટના PROએ જણાવ્યું કે સવારે એરપોર્ટ તંત્રને એક ઇમેલ મળ્યો હતો જેમાં એરપોર્ટ પર બોમ્બ મુક્યો હોવાની અને વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી.
ધમકીને ગંભીરતાથી લેતા CISF અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. તે બાદ બન્ને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની મદદથી એરપોર્ટ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.શનિવારે પણ હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

