જમ્મુ- કાશ્મીરના આ પર્યટન સ્થળો 29 સપ્ટેમ્બરથી ફરી ખુલશે, પહેલગામ હુમલા બાદ થયા હતા બંધ

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પહેલગામ હુમલા બાદ હવે ફરીથી ટુરિસ્ટ પોઈન્ટ ખુલ્લા મુકવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સમીક્ષા બાદ 29 સપ્ટેમ્બરથી ઘણા બંધ પર્યટન સ્થળો ફરી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની માહિતી લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પોતે આપી છે. તેમણે જણાવ્યું કે, કાશ્મીર અને જમ્મુ વિભાગના મુખ્ય પર્યટન સ્થળો પ્રવાસીઓ માટે ફરી ખુલશે. પહેલગામ આતંકવાદી હુમલા પછી સાવચેતીના ભાગરૂપે આ પર્યટન સ્થળો બંધ કરાયા હતા.
કયા સ્થળો ફરી ખુલશે?
કાશ્મીરમાં ફરી ખુલનારા સ્થળોમાં અરુ ખીણ, રાફ્ટિંગ પોઈન્ટ યન્નાર, અક્કડ પાર્ક, પદશાહી પાર્ક અને કમાન્ડ પોસ્ટ, ડગન ટોપ, રામબન, કઠુઆનો ધગ્ગર વિસ્તાર, રિયાસીમાં શિવ ગુફાઓ આ તમામ પર્યટન સ્થળો 29 સપ્ટેમ્બરથી તબક્કાવાર ફરી ખુલશે. લેફ્ટનન્ટ ગવર્નરે ટ્વિટ કર્યું કે સુરક્ષા એજન્સીઓ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે UHQ બેઠકમાં વ્યાપક સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આતંકવાદી હુમલા બાદ પ્રવાસન સ્થળો બંધ
પહેલગામ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ સુરક્ષા કારણોસર આ વિસ્તારોમાં પ્રવાસન પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી હતી. વહીવટીતંત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને મોટા પાયે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. જૂનમાં વહીવટીતંત્રે 16 પ્રવાસન સ્થળો ફરીથી ખોલવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ કેટલાક સંવેદનશીલ સ્થળો બંધ રખાયા હતા.
પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે
પર્યટન સ્થળો ફરીથી ખોલવાથી જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં સ્થાનિક અર્થતંત્ર પુનર્જીવિત થવાની અપેક્ષા છે. સ્થાનિક વ્યવસાયો અને હોટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ આતંકવાદી ઘટનાઓ અને સુરક્ષા પ્રતિબંધોથી પ્રભાવિત થયા હતા. આ નિર્ણય માત્ર પ્રવાસીઓને જ રાહત આપશે એવું નહીં પરંતુ સ્થાનિકોની રોજગારી પણ ખુલશે.

