‘મહાકુંભમાં બની હતી ભાગદોડની 2 ઘટના, લોકોને નજર સામે મરતા જોયા’, યુપીના પ્રવાસન માટે કામ કરતી ઈનફ્લુએન્સર યુવતીનો દાવો

મહાકુંભ: ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલા એક વીડિયોમાં, તાન્યા મિત્તલે કહ્યું કે જ્યારે તે બાળકોને બચાવવા ગઈ ત્યારે તે બીજી વાર ભાગદોડમાં ફસાઈ ગઈ. તેણે કહ્યું કે અમે એવા પોઇન્ટ પર હતા જ્યારે અમને ઘણી બધી ચીસો સંભળાઈ.
સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર તાન્યા મિત્તલે દાવો કર્યો છે કે મહાકુંભમાં ભાગદોડમાં લગભગ 30 લોકોના મોત થયાના કલાકો પછી બીજી એક ભાગદોડ થઈ, જેના કારણે વધુ મૃત્યુ થયા. યુપીના પ્રવાસન પ્રમોટર તાન્યા મિત્તલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં અને ન્યૂઝ ચેનલોને આપેલા ઇન્ટરવ્યુમાં બીજી ભાગદોડમાં પોતાની નજર સમક્ષ લોકોને મરતા જોવા વિશે વાત કરી હતી.
પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા એક વીડિયોમાં, તાન્યા મિત્તલે કહ્યું કે જ્યારે તે બાળકોને બચાવવા ગઈ ત્યારે તે બીજી વાર ભાગદોડમાં ફસાઈ ગઈ. તેમણે કહ્યું, “ગઈકાલે રાત્રે પ્રયાગમાં ભાગદોડ થઈ હતી. અમે ખૂબ જ ઊંચાઈ પર હતા ત્યારે અચાનક બાળકોના ચીસો પાડવાનો અવાજ આવવા લાગ્યો. અમારી સાથે એક ટીમ હતી અને અમે બાળકોને અમારા રૂમમાં લાવવાનું નક્કી કર્યું."
'મારો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો'
ભાવુક થઈને તાન્યાએ કહ્યું, “અમે નીચે પહોંચ્યા અને હું પોતે પણ નાસભાગમાં ફસાઈ ગઈ. એક સમયે મને ગૂંગળામણ થઈ રહી હતી, હું કંઈ સમજી શકતી ન હતી કે જોઈ શક્તિ નહતી. મને લાગ્યું કે આ મારા જીવનનો છેલ્લો દિવસ છે. પછી અમે હલ્દીરામની દુકાન જોઈ અને કોઈક રીતે બાળકોને ખેંચીને ત્યાં લાવ્યા. અમે જે જોયું તેનાથી અમે ચોંકી ગયા.”
આના થોડા સમય પહેલા, તાન્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે મહાકુંભની વ્યવસ્થાની પ્રશંસા કરી રહી હતી. બીજી ભાગદોડની ઘટના વિશે બોલતા તેમણે કહ્યું, "મને એ જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન સંગમ પોઇન્ટ પાસે થયેલી ભાગદોડ ઉપરાંત, લગભગ 2 કિમી દૂર ઝુસી ખાતે બીજી એક ભાગદોડ થઈ છે. ફક્ત થોડા જ કલાકો પછી, બીજી દુ:ખદ ઘટના બની."
તેમણે આગળ લખ્યું, "આ બીજી નાસભાગમાં અનેક લોકોના મોત અને ઇજાઓ થઈ. મદદ પહોંચે તે પહેલાં ઘણા પીડિતો કલાકો સુધી એકલા પડી ગયા. ભવિષ્યમાં વધુ સારા સલામતી પગલાં સુનિશ્ચિત કરવા માટે આ ઘટનાને સ્વીકારવી અને તેનો ઉકેલ લાવવો મહત્વપૂર્ણ છે."

