'ક્રીમી લેયરની વાત જ ખોટી': મોહન ભાગવતના નિવેદન પર માયાવતી ભડક્યા

Mayawati React On RSS Chief Statement : બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રીમો માયાવતીએ અનામતમાં ‘ક્રીમી લેયર’ લાગુ કરવાની ચર્ચા અને RSS વડા મોહન ભાગવતના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે SC અને ST વર્ગો માટે ક્રીમી લેયરની વાત કરવી તે સંપૂર્ણપણે અયોગ્ય છે અને તે બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરના માનવતાવાદી બંધારણના પવિત્ર ઉદ્દેશ્યોની વિરુદ્ધ છે. અનામત એ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ સદીઓથી શોષિત અને વંચિત સમાજનું સામાજિક પરિવર્તન, આર્થિક મુક્તિ અને આત્મસન્માન સાથે જોડાયેલો બંધારણીય અધિકાર છે.
RSS પ્રમુખ સામે કર્યા પ્રહાર
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના એ નિવેદન પર પલટવાર કરતાં—જેમાં તેમણે અનામતના લાભાર્થીઓને સ્વેચ્છાએ લાભ છોડવાની સલાહ આપી હતી અને તેના પર રાજકારણ થતું હોવાનું કહ્યું હતું—માયાવતીએ તેને ‘જાતિવાદી સોચ’ ગણાવી હતી. તેમણે કહ્યું કે આવી સંકુચિત રાજકીય વિચારસરણીથી સંકીર્ણ સ્વાર્થ પૂરા થઈ શકે છે પણ તેનાથી બંધારણીય મૂલ્યોની અવહેલના થાય છે. તેમણે ઉમેર્યું કે જાતિવાદી ભેદભાવને માત્ર આર્થિક પ્રગતિથી માપી શકાય નહીં, કારણ કે તેની અસર પીડિતોના સમગ્ર જીવન પર પડે છે.
અનામત મુદ્દે રાજકારણ બંધ કરો : માયાવતી
છેલ્લે, માયાવતીએ આરએસએસને અનામતના મુદ્દા પર રાજકારણ બંધ કરવા અને સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની પેરવી ન કરવા અપીલ કરી છે. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે જો તેઓ SC-ST સમાજને ક્રીમી લેયરથી દૂર રાખવા માંગતા હોય, તો અદાલતમાં મજબૂત દલીલો સાથે પોતાનો પક્ષ રજૂ કરે જેથી આ વર્ગોના બંધારણીય હકોનું રક્ષણ થઈ શકે.

