VIDEO: પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી
દેશમાં પેકેજ્ડ ખાદ્ય પદાર્થોના પેકેટ પર સ્વાસ્થ્ય સંબંધિત ચેતવણી દર્શાવતા લેબલ લગાવવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને FSSAIને કડક સંદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે દેશના નાગરિકોને એ જાણવાનો પૂરો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે અને તેમના ખોરાકમાં ખાંડ, મીઠું કે સેચ્યુરેટેડ ફેટ કેટલા પ્રમાણમાં છે. સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે આ બાબત માત્ર નિયમો પૂરતી સીમિત નથી, પરંતુ કરોડો લોકોના સ્વાસ્થ્ય અને વિશેષ કરીને બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી છે. બેંચે કેન્દ્ર સરકારને છેલ્લી તક આપતાં બે અઠવાડિયાનો સમય આપ્યો છે અને ચેતવણી આપી છે કે જો કોઈ આખરી નિર્ણય લેવામાં નહીં આવે તો કોર્ટ પોતે જ આદેશ જારી કરશે. આ મામલો પેકેજ્ડ ફૂડના પેકેટની આગળના ભાગે ચેતવણી આપતું લેબલ લગાવવા સાથે જોડાયેલો છે. આ પ્રસ્તાવ મુજબ, જે ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું કે ફેટ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ હોય, તેના પેકેટ પર સ્પષ્ટ ચેતવણી લખવી પડશે જેથી ગ્રાહકો ખરીદતા પહેલાં પૂરી માહિતી મેળવી શકે. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે FSSAIની બેઠકમાં લેવાયેલા નિર્ણયો સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશો મુજબના નથી.

