બિહારમાં પુલ તૂટવાનો સિલસિલો યથાવત: હવે મોતિહારીમાં બ્રિજ તૂટી પડ્યો, અઠવાડિયામાં આ ત્રીજી ઘટના

બિહારમાં પુલ તૂટી પડવાનો સિલસિલો યથાવત છે. એક અઠવાડિયામાં અહીં પુલ તૂટી પડવાની આ ત્રીજી ઘટના છે. આ વખતે આ ઘટના મોતિહારીમાં બની છે. આ પહેલા અરરિયા અને સિવાનમાં પણ પુલ ધરાશાયી થયા છે. આ એક નિર્માણાધીન પ્રોજેક્ટ હતો, જેનો અંદાજિત ખર્ચ ₹2 કરોડ હતો.
મળતી માહિતી મુજબ, આ વખતે પુલ તૂટી પડવાની ઘટના પૂર્વ ચંપારણના મોતિહારીના ઘોરસાહન બ્લોકમાં ચેનપુર સ્ટેશનના એક્સેસ રોડ પર બની હતી. અહીં 2 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. બ્રિજનું કાસ્ટિંગ કામ કરવામાં આવ્યું હતું. આ પુલની લંબાઈ લગભગ 50 ફૂટ હતી.
બ્રિજનો મોટો હિસ્સો તેના કાસ્ટિંગની સાથે જ ધરાશાયી થયો છે. જેના કારણે પુલ નિર્માણની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. આ પુલ જિલ્લાના ઘોરાસાહન બ્લોકના અમવાથી ચૈનપુર સ્ટેશન જતા રોડ પર બનાવવામાં આવી રહ્યો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં અરરિયા અને સિવાનમાં બે અલગ-અલગ પુલ તૂટી પડ્યા હતા. હવે મોતિહારી અકસ્માત બાદ રાજ્યમાં એક સપ્તાહમાં ત્રણ પુલ ધરાશાયી થયા છે.
આ પહેલા શનિવારે સિવાન જિલ્લાના મહારાજગંજ સબ ડિવિઝનના પટેધા અને ગરૌલી ગામ વચ્ચેનો પુલ અચાનક તૂટી ગયો હતો. જેના કારણે બંને ગામ વચ્ચેનો વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. આ પુલ તૂટવાથી વિસ્તારના લોકો ભારે પરેશાન થઈ ગયા છે, કારણ કે આ પુલ બે ગામો વચ્ચે સંપર્કનું મુખ્ય સાધન હતું. આ પુલની પહોળાઈ અંદાજે 30 ફૂટ હતી. આ પુલ લગભગ 30 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો.

