VIDEO: "યુવાનોનું સામર્થ્ય જ દેશની સાચી શક્તિ", મૈસુરુમાં 'વિવેક સ્મારક'નું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીનું સંબોધન
કર્ણાટકના મૈસુરુ ખાતે આવેલ 'સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારક'ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે દેશના યુવાનો, શિક્ષણ પ્રણાલી અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનોનું સામર્થ્ય ત્યારે જ રાષ્ટ્રશક્તિમાં પરિવર્તિત થાય છે જ્યારે તેમને યોગ્ય તકો અને સાચી દિશા મળે.
"પોતાની જ ધરતી પર સપના સાકાર કરવાનો આત્મવિશ્વાસ જરૂરી"
ઉદ્ઘાટન પ્રસંગે યુવા ધનનો ઉત્સાહ વધારતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "કોઈપણ દેશમાં યુવાનોની ક્ષમતા ત્યારે જ રાષ્ટ્રીય શક્તિમાં રૂપાંતરિત થાય છે જ્યારે તેમને યોગ્ય તકો, સાચું માર્ગદર્શન અને પોતાની માતૃભૂમિ પર જ મોટા સપના જોવાનો તેમજ તેને સાકાર કરવાનો આત્મવિશ્વાસ મળે. આ દિશામાં આપણી શૈક્ષણિક સંસ્થાઓ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. મને એ વાતનો આનંદ છે કે ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યામાં સતત અને ઝડપી વધારો થઈ રહ્યો છે."
દેશમાં તબીબી શિક્ષણનો વ્યાપ વધ્યો
દેશના સ્વાસ્થ્ય અને તબીબી શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસ અંગે આંકડાકીય માહિતી આપતાં વડાપ્રધાને ઉમેર્યું હતું કે, આજે ભારતમાં MBBS ની સીટો વધીને લગભગ 1,40,000 સુધી પહોંચી ગઈ છે, જ્યારે મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 823 થઈ ચૂકી છે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ભારતના યુવાનોને ૨૧મી સદીના વૈશ્વિક પડકારો સામે તૈયાર કરવાનું સશક્ત માધ્યમ બની રહી છે.
વડાપ્રધાનના આ સંબોધને મૈસુરુના વિવેક સ્મારક ખાતે હાજર રહેલા તમામ યુવાનો અને શ્રોતાઓમાં દેશપ્રેમ અને નવી ઊર્જાનો સંચાર કર્યો હતો.

