VIDEO: 'ખેલો ઇન્ડિયા'નો જાદુ: ઓલિમ્પિક્સથી એશિયન ગેમ્સ સુધી ભારતીય ખેલાડીઓનો ડંકો, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું અસલી રહસ્ય
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ દેશના રમતગમત ક્ષેત્રમાં આવેલા ઐતિહાસિક પરિવર્તન અંગે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને નીતિઓની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલા પ્રયાસોને કારણે આજે ભારતીય ખેલાડીઓ વૈશ્વિક મંચ પર દેશનું નામ રોશન કરી રહ્યા છે.
'ખેલો ઇન્ડિયા' અને પાયાનું પરિવર્તન
કિરેન રિજિજુએ રમતગમત ક્ષેત્રે આવેલી ક્રાંતિ અંગે જણાવ્યું કે, પીએમ મોદીએ વર્ષ 2014માં સરકાર બન્યા બાદ યોગ્ય સમયે આ દૂરંદેશી યોજના શરૂ કરી હતી, જેના થકી છેવાડાના યુવાનો સુધી પહોંચ શક્ય બની છે. આ અભિયાને દેશના ખૂણે-ખૂણેથી ટેલેન્ટ શોધીને તેમને યોગ્ય તાલીમ અને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે.
મેડલ ટેલીમાં ઐતિહાસિક ઉછાળો
વિશ્વ સ્તરે ભારતના પ્રદર્શનમાં આવેલા સુધારા અંગે તેમણે ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું કે, અગાઉ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત માટે એક કે બે મેડલ મેળવવા પણ મુશ્કેલ હતા અને સંઘર્ષ કરવો પડતો હતો. આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. પછી ભલે તે ઓલિમ્પિક્સ હોય, કોમનવેલ્થ ગેમ્સ હોય કે એશિયન ગેમ્સ—ભારતીય એથ્લેટ્સ દરેક સ્પર્ધામાં એકસાથે અનેક મેડલ જીતી રહ્યા છે, જે સમગ્ર દેશ માટે અત્યંત ગૌરવની બાબત છે.

