VIDEO: પેટ્રોલમાં કેટલું ઇથેનોલ છે તે પમ્પો પર જાહેર કરવા સુપ્રીમમાં કરાઈ માંગ,
ઇ૨૦ એટલે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઇને વિવાદ ચાલી રહ્યો છે, એવામાં એક મહત્વની માગ કરતી અરજી સુપ્રીમમાં થઇ છે. અરજદારે આ અરજીમાં માગ કરી છે કે તમામ પેટ્રોલ પમ્પો પર મળી રહેલા પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા બોર્ડ લગાવવામાં આવે.નરેન્દ્ર કુમાર ગોસ્વામી દ્વારા થયેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે કે તે તમામ પેટ્રોલ પમ્પો પર પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ છે તેની માહિતી જાહેર કરવા કહે. સુપ્રીમ કોર્ટની દૈનિક સુનાવણીની યાદી મુજબ ૩૧ ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે. અરજદારે એવી પણ માગણી કરી છે કે ગ્રાહકોને જે બિલ આપવામાં આવે છે તેમાં પણ એવી સ્પષ્ટતા કરવી જોઇએ કે પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ છે.
અરજદારે એવી પણ માગ કરી છે કે ઇથેનોલવાળા પેટ્રોલની વાહનો પર શું અસર થઇ રહી છે તેના રિપોર્ટને તૈયાર કરવા માટે એક કમિટીનું ગઠન કરવામાં આવે. ઇ૨૦ના અમલને સમર્થન કરતા અભ્યાસ, ટેક્નીકલ સ્ટડી સહિતના રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજુ કરવા માટે ઓથોરિટીને આદેશ આપવામાં આવે. જે જુના વાહનો ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલનો ઉપયોગ કરવાની ક્ષમતા નથી ધરાવતા તેમના માટે સમયબદ્ધ રીતે માળખુ તૈયાર કરવામાં આવે. ૩૧મી તારીખે આ મામલે સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર છે.

