VIDEO: એમ્બ્યુલન્સમાં ભયાનક વિસ્ફોટ! છત 40 ફૂટ દૂર ફંગોળાઈ, દર્દીનું મોત
ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં દર્દીને સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સમાં ભયાનક આગ અને વિસ્ફોટની ઘટના બની છે. ઉદલા સબ-ડિવિઝનલ હોસ્પિટલ નજીક બનેલી આ દુર્ઘટનામાં દર્દીનું મોત થયું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે એમ્બ્યુલન્સની છત ઊછળીને આશરે 40 ફૂટ દૂર જઈને પડી હતી.
ભુવનેશ્વર લઈ જતી વખતે બની દુર્ઘટના
મળતી માહિતી મુજબ, કુંડાબાઈ વિસ્તારના રહેવાસી સુયશ કુમાર બારિક બ્લડ ઇન્ફેક્શન (Blood Infection) જેવી ગંભીર સમસ્યાથી પીડાતા હતા. તેમને વધુ સારી સારવાર માટે ભુવનેશ્વર લઈ જવામાં આવી રહ્યા હતા. આ માટે ખાનગી સંચાલકની એમ્બ્યુલન્સ ભાડે લેવામાં આવી હતી.
ઓક્સિજન સિલિન્ડર ખોલતાં જ લાગી આગ
એમ્બ્યુલન્સ ઉદલા સબ-ડિવિઝનલ હોસ્પિટલ નજીક પહોંચી ત્યારે દર્દીને ઓક્સિજન (Oxygen) આપવા માટે ચાલકે સિલિન્ડરનો વાલ્વ ખોલ્યો હતો. આ દરમિયાન અચાનક એમ્બ્યુલન્સમાં આગ લાગી અને જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે એમ્બ્યુલન્સની છત આશરે 40 ફૂટ દૂર ફંગોળાઈ ગઈ હતી. ત્યારબાદ આગે આખી એમ્બ્યુલન્સને પોતાની લપેટમાં લઈ લીધી હતી.
દર્દીનું મોત, બે લોકો ગંભીર રીતે ઘાયલ
એમ્બ્યુલન્સમાં આગ લાગતાં દર્દીના પરિવારજનોએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દર્દી ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાની થોડી જ મિનિટોમાં તેમનું મોત થયું હતું. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોરદાર વિસ્ફોટને કારણે હોસ્પિટલ પરિસર અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. ઓક્સિજન સિલિન્ડરનો વાલ્વ ખોલતી વખતે આગ કેવી રીતે લાગી અને વિસ્ફોટ કયા સંજોગોમાં થયો, તે તપાસ બાદ સ્પષ્ટ થશે.

