'વાળંદ -મોચી, સુથાર- લુહારને 5 લાખ રૂપિયા આપીશું...', બિહાર ચૂંટણી પ્રચારમાં તેજસ્વીની મોટી જાહેરાત

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં જ જોરશોરથી પ્રચાર સાથે એકબીજી પાર્ટી પર દોષારોપણનો દોર ચાલુ છે. બિહારમાં મહાગઠબંધનનું ચૂંટણી ઘોષણાપત્ર આજે જાહેર થઈ શકે છે. મહાગઠબંધનના મુખ્યમંત્રીનો ચહેરો ગણાતા તેજસ્વી યાદવ આજે પ્રિયંકા ગાંધી સહિત અગ્રણી નેતાઓની હાજરીમાં ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરી શકે તેમ છે. તેજસ્વી યાદવે પહેલેથી જ દરેક પરિવારથી એકને સરકારી નોકરીની જાહેરાતને પ્રાથમિકતા આપી છે. અનામત મર્યાદા વધારવાની જાહેરાત પણ મુખ્ય છે. માઈ બહન માન યોજના અંતર્ગત મહિલાઓને દર મહિને અઢી હજાર અને જીવિકા દાદીઓને બે હજાર ભથ્થુ આપવાની પણ જાહેરાતને પણ ઘોષણાપત્રમાં શામેલ કરી છે.
બિહાર ચૂંટણી પહેલા વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વધુ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બિહારમાં વાળંદ, કુંભાર, સુથાર, લુહાર, માળી અને મોચી જેવા મહેનતુ સમુદાયોના સ્વરોજગાર, આર્થિક ઉત્થાન અને પ્રગતિને ટેકો આપવા પાંચ વર્ષ માટે ₹5 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. આ નાણાંનો ઉપયોગ આ સમુદાયો માટે ઓજારો અને અન્ય સાધનો ખરીદવા માટે કરવામાં આવશે.
આ લોકોએ ફક્ત બિહારને લૂંટ્યું છે
તેજસ્વી યાદવે કહ્યું કે, આજે ચૂંટણી પ્રચાર અર્થે નીકળ્યો છું. બિહારમાં દરેક જગ્યાએ જવાનું છે. આ વખતે બિહારના લોકો પરિવર્તનના મૂડમાં છે... તમે જોયું હશે કે બિહારથી આજીવિકાની શોધમાં સ્થળાંતર કરીને ગયેલા લોકો છઠ પૂજા માટે કેવી રીતે ઘરે પરત ફર્યા. આ જોઈને દુઃખ થયું. રેલ્વે મંત્રીએ જાહેરાત કરી હતી કે 12,000 ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે. પરંતુ તમે જોયું કે આપણા ભાઈઓ અને બહેનો ટ્રેનોમાં કેવી રીતે આવ્યા. લોકો ખીચોખીચ ભરેલા હતા. તેમની ખાસ ટ્રેનો ક્યાં છે? આ લોકોએ ફક્ત બિહારના લોકોને છેતર્યા છે. હવે આવું બધું ચાલશે નહીં.
પ્રથમ તબક્કા માટે કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકો
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોમાં પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કન્હૈયા કુમાર અને અપક્ષ સાંસદ પપ્પુ યાદવનો સમાવેશ થાય છે. કોંગ્રેસના બિહાર પ્રભારી કૃષ્ણા અલ્લાવારુ, બિહાર કોંગ્રેસના વડા રાજેશ રામ, કોંગ્રેસના મહાસચિવો કેસી વેણુગોપાલ, ભૂપેશ બઘેલ, સચિન પાયલટ, રણદીપ સુરજેવાલા અને સૈયદ નસીર હુસૈન તેમજ વરિષ્ઠ નેતાઓ અશોક ગેહલોત, તારિક અનવર, ગૌરવ ગોગોઈ, મોહમ્મદ જાવેદ અને અખિલેશ પ્રસાદ સિંહનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે અને પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર થશે.

