બિહાર વિધાનસભા સત્રમાં તેજસ્વીએ વર્ષોની પરંપરા તોડી, સત્તા પક્ષે લીધા આડેહાથ

બિહાર વિધાનસભાના શિયાળુ સત્રના ત્રીજા દિવસે NDA એ વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પર હુમલો કર્યો હતો. તેજસ્વી યાદવને મંગળવારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે રાજ્યપાલના ભાષણ દરમિયાન તેજસ્વી યાદવ ગૃહમાં ગેરહાજર રહેતા સત્તા પક્ષે તેમની ટીકા કરી હતી.
ચિરાગ પાસવાનની પાર્ટી, LJP(R) ના વિધાનસભા પક્ષના નેતા રાજુ તિવારીએ કહ્યું, "તેજશ્વી યાદવ ગંભીર નથી. તેમને ગૃહ કે જનતા માટે કોઈ ચિંતા નથી. તેઓ હંમેશા ગેરહાજર રહે છે. તેઓ તેમની ભૂમિકા નિભાવવામાં અસમર્થ છે. વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. રાજ્યપાલે ધારાસભ્યો અને MLC ને સંબોધિત કર્યા. સરકારના એજન્ડા અને નીતિઓની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષના નેતા આ બધી પ્રક્રિયા દરમિયાન ગેરહાજર હતા. તેમણે સવાલ કર્યો કે, તમે ઉચ્ચ પદ પર હોવા છતાં હાજર ન રહીને શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છો?
ભાજપે પણ તેજસ્વી યાદવ પર કર્યા પ્રહારો
ભાજપના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ ધારાસભ્ય નીરજ બબલુએ કહ્યું કે, તેજસ્વી યાદવને જનતાએ નકારી કાઢ્યા છે. તેથી, તેઓ હતાશ અને નારાજ હોવાથી ભાગી ગયા છે. તેમણે રાજ્યપાલના સંબોધનમાં હાજરી આપવી જોઈતી હતી. તેઓ ન તો પોતાની જવાબદારીઓ નિભાવવા માંગે છે અને ન તો તેમને બિહારના વિકાસની ચિંતા છે.
આ મુદ્દા પર આરજેડીનો વળતો પ્રહાર
આ દરમિયાન આરજેડીના એમએલસી ઉર્મિલ ઠાકુરે કહ્યું કે આજે રાજ્યપાલના સંબોધન દરમિયાન કોઈ ચર્ચા થવાની નહોતી કે તેજસ્વી યાદવને હાજર રહેવું પડે. તેજસ્વીના નામ વગર તેમનું રાજકારણ આગળ વધતું નથી. આ કોઈ મુદ્દો નથી. અન્ય આરજેડીના ધારાસભ્યો અને એમએલસી હાજર છે. જણાવી દઈએ કે, વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે સાંજે તેજસ્વી યાદવ અચાનક પટનાથી દિલ્હી જવા રવાના થયા હતા. તેમણે એરપોર્ટ પર મીડિયા સાથે વાત પણ કરી ન હતી.

