Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : TDP's historic announcement, women will get 33% reservation in 2029 general elections

TDPની ઐતિહાસિક જાહેરાત, 2029ની સામાન્ય ચૂંટણીમાં મહિલાઓને 33% અનામત મળશે

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
TDPની ઐતિહાસિક જાહેરાત, 2029ની સામાન્ય ચૂંટણીમાં મહિલાઓને 33% અનામત મળશે
સોર્સ : gstv

તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ તેના સૌથી મોટા મેળાવડા 'મહાનાડુ' દરમિયાન જાહેરાત કરી હતી કે TDP તેની 33 ટકા બેઠકો મહિલાઓને ફાળવશે. ટીડીપીના કાર્યકારી પ્રમુખ અને મંત્રી નારા લોકેશે 2029ની ચૂંટણી માટે પાર્ટીમાં મહિલાઓ માટે 33% અનામત આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. 

App Store

તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નારા લોકેશે એક મોટો રાજકીય દાવ ખેલતા જાહેરાત કરી છે કે, તેમની પાર્ટી 2029ની સામાન્ય ચૂંટણીઓમાં વિધાનસભા અને લોકસભાની 33% બેઠકો મહિલા ઉમેદવારો માટે ફાળવશે. ટીડીપીના મહાનાડુ સંમેલનમાં એક ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કરતાં લોકેશે સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકારનું મહિલા અનામત બિલ દેશભરમાં લાગુ થાય કે ન થાય, પણ તેમની પાર્ટી આ વચન ચોક્કસપણે પૂરું કરશે.

મહતમ મહિલાઓ નેતા બને

નારા લોકેશે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકેના પોતાના પ્રથમ ભાષણમાં જણાવ્યું હતું કે, આ પ્રતિબદ્ધતા માત્ર એક ચૂંટણી નારો નથી પરંતુ ભારત અને પક્ષના ભવિષ્ય પ્રત્યેની એક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે, દેશને વધુ મહિલા ધારાસભ્યો, નેતાઓ અને નીતિ નિર્માતાઓની જરૂર છે અને ટૂંક સમયમાં જ ભારતીય રાજકારણમાં મહિલા નેતૃત્વનો નવો યુગ શરૂ થશે.

મહિલાઓ માત્ર કલ્યાણ યોજનાઓની લાભાર્થી ન રહેવી જોઈએ

નારા લોકેશે વિરોધ પક્ષો પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે, અન્ય પક્ષો માત્ર ચૂંટણી વખતે જ મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને સત્તામાં આવ્યા પછી ભૂલી જાય છે. કેટલાક પક્ષોએ સંસદમાં મહિલા અનામત બિલને રોકવાના પ્રયાસો પણ કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મહિલાઓ માત્ર સરકારી કલ્યાણ યોજનાઓની લાભાર્થી બનીને ન રહેવી જોઈએ, પરંતુ તેઓ શાસન અને રાજકારણમાં સક્રિય નિર્ણાયક તરીકે ઉભરી આવે તે જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે એનડીએ (NDA) સરકાર દ્વારા લાવવામાં આવેલા મહિલા અનામત બિલને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.

એનટીઆર અને ચંદ્રબાબુ નાયડુના વારસાનો ઉલ્લેખ

પોતાના સંબોધનમાં લોકેશે ટીડીપીના સ્થાપક એન.ટી. રામારાવ (NTR) અને મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુને મહિલા સશક્તિકરણના અગ્રદૂત ગણાવ્યા હતા. એનટીઆરના શાસનકાળમાં જ મહિલાઓને સમાન મિલકત અધિકાર, સ્થાનિક સંસ્થાઓમાં અનામત અને મહિલાઓ માટે વિશેષ પદ્માવતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ચંદ્રબાબુ નાયડુના કાર્યકાળમાં ત્યારબાદ નાયડુએ શિક્ષણ અને રોજગારમાં મહિલાઓ માટે ૩૩% અનામત, ડ્વાકરા (DWCRA) જૂથો અને દીપમ જેવી કલ્યાણકારી યોજનાઓ દ્વારા આ મિશનને આગળ ધપાવ્યું હતું.

વાયએસઆરસીપીને આપી ખુલ્લી ચેલેન્જ

નારા લોકેશે વિપક્ષી પક્ષ વાયએસઆરસીપી (YSRCP) અને તેના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિપક્ષના જૂના નારા વ્હાય નોટ 175 ની મજાક ઉડાવતા હવે તેને ટીમ-11 તરીકે સંબોધિત કરી હતી. આ સાથે જ તેમણે વાયએસઆરસીપીના પ્રમુખ વાય. એસ. જગન મોહન રેડ્ડીને વિકાસ અને કલ્યાણના મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

2024ની જીતનો શ્રેય અને આંધ્રપ્રદેશનું ભવિષ્ય

વર્ષ 2024ની આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં એનડીએ (NDA) ગઠબંધનની ભવ્ય જીતનો શ્રેય લેતા લોકેશે જણાવ્યું કે, ટીડીપીની આગેવાની હેઠળના ગઠબંધને 164 બેઠકો જીતીને રેકોર્ડ 94% સ્ટ્રાઈક રેટ હાંસલ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આર્થિક તંગી હોવા છતાં ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં સરકાર ખેડૂતો, માછીમારો, વણકરો માટે કલ્યાણકારી યોજનાઓ, મફત ગેસ સિલિન્ડર અને શિક્ષકોની ભરતી જેવા વચનો પૂરા કરી રહી છે. આ ઉપરાંત, આંધ્રપ્રદેશ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ ટેકનોલોજી અને ફાઇટર જેટ મેન્યુફેક્ચરિંગ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં વૈશ્વિક રોકાણ આકર્ષી રહ્યું છે.