Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court refuses to grant interim relief in West Bengal Sir issue

બંગાળમાં લાખો લોકો નહીં કરી શકે મતદાન, સુપ્રીમે વચગાળાની રાહત આપવાનો કર્યો ઇનકાર

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
બંગાળમાં લાખો લોકો નહીં કરી શકે મતદાન, સુપ્રીમે વચગાળાની રાહત આપવાનો કર્યો ઇનકાર
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળમાં આગામી 23 અને 29 એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે મતદાર યાદીનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે જેમના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે, તેમને હાલ તુરંત મતદાન કરવાની છૂટ આપી શકાય નહીં. આ અરજીની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે ટિપ્પણી કરી હતી કે, અપીલ ટ્રિબ્યુનલ પર હજારો કેસોનું ભારણ વધારીને ચૂંટણી પ્રક્રિયામાં જોખમ ઊભું કરી શકાય નહીં. જેમના નામ SIR પ્રક્રિયામાં કપાયા છે અને જેમની અપીલ હજુ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે, તેમને વચગાળાની રાહત તરીકે મતદાનની છૂટ આપી શકાય નહીં.
 
સુનાવણી દરમિયાન કોર્ટે એક 'મધ્યમ માર્ગ' કાઢવાનો પ્રયાસ કર્યો છે. જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ જણાવ્યું કે જો જ્યુડિશિયલ ઓફિસરો ( ટ્રિબ્યુનલ ) દ્વારા તપાસ બાદ કોઈનું નામ યાદીમાં પાછું ઉમેરવામાં આવશે, તો જ તેઓ મતદાન કરવા પાત્ર ઠરશે. સુપ્રીમ કોર્ટે અરજદારોને ટ્રિબ્યુનલ સમક્ષ જ પોતાની લડત ચાલુ રાખવા સૂચના આપી છે. 

App Store

છેલ્લી ઘડીયે ફેરફારો કરવા મુશ્કેલ: ચૂંટણી પંચ

ચૂંટણી પંચે કોર્ટમાં દલીલ કરી હતી કે મતદાનના છેલ્લા દિવસોમાં યાદીમાં મોટા ફેરફારો કરવા કાયદાકીય રીતે મુશ્કેલ છે. સાથે જ, સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પંચે તકેદારી રાખવાની ખાતરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે 23 એપ્રિલ પહેલા કેટલા મતદારોના નામ યાદીમાં પાછા ઉમેરાય છે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યા સવાલ

સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ લોકશાહીની પાયાની કિંમતો પર ભાર મૂક્યો છે. તેમણે ચૂંટણી પંચને સવાલ કર્યો હતો કે જ્યારે બિહારમાં 2002ની યાદીના મતદારો પાસે કોઈ દસ્તાવેજો મંગાયા નહોતા, તો બંગાળમાં પ્રક્રિયા કેમ અલગ રાખવામાં આવી? જસ્ટિસે કહ્યું કે જે દેશમાં વ્યક્તિનો જન્મ થયો હોય ત્યાં સરકાર ચૂંટવામાં ભાગ લેવો એ એક ભાવનાત્મક બાબત છે. તેથી, જેમના નામ કપાયા છે તેમના માટે એક મજબૂત અને નિષ્પક્ષ અપીલ વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.

ચૂંટણી પંચ સમક્ષ સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા! 

જો કે ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે રાહત આપી ન હતી, પરંતુ આકરા સવાલો કર્યા હતા. જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ મતદાન યાદીમાંથી અનેક મતદારોના નામ દૂર કરવા મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો કે, ‘જો ઉમેદવારની જીતનું અંતર 10% હોય અને 10% મતદારો મતદાન ના કરે તો કદાચ વાંધો આવે નહીં, પરંતુ જો જીતનું અંતર માત્ર 2% હોય અને યાદીમાંથી નામ કપાવાને કારણે પાત્રતા ધરાવતા 15% મતદારો મત ના આપી શકે, તો આ ગંભીર બાબત છે અને આપણે તે અંગે વિચારવું જોઈએ. આ કેસમાં કોર્ટ કોઈ વ્યક્તિગત અભિપ્રાયનથી આપતી, પરંતુ યોગ્ય કે ખોટી રીતે યાદીમાંથી બહાર રહી ગયેલા જાગૃત મતદારની ચિંતા કરવી મહત્ત્વની છે.’ આ સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે યાદીમાંથી હટાવાયેલા વ્યક્તિઓની અપીલ પર વિચારણા કરવા યોગ્ય માળખું ઊભું કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

SIR કામગીરી કરનારા અધિકારીઓ પર પણ કોર્ટની ટિપ્પણી

જસ્ટિસે કહ્યું કે, જ્યારે અત્યંત દબાણવાળી પરિસ્થિતિ હોય ત્યારે SIRની કામગીરી કરતા ન્યાયિક અધિકારીઓ પાસે 100 ટકા સારી કામગીરીની આશા ન રાખી શકાય. જ્યારે અધિકારી ઓછી સમયમર્યાદાની અંદર, દૈનિક 1000થી વધુ દસ્તાવેજો ચકાસતા હોય તો 70 ટકા ચોક્સાઈને પણ ઉત્કૃષ્ટ કામગરી માનવામાં આવશે, તેથી જસ્ટિસે મજબૂત અપીલ તંત્ર સ્થાપવાની જરૂરિયાત પર ભાર આપ્યો છે.

જોકે ચીફ જસ્ટિસે અરજી 'સ્વીકારવામાં અનિચ્છા વ્યક્ત કરી છે અને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. તેમણે અરજદારને કહ્યું છે કે, તમે અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ તેનું પાલન કરો. બેંચે અરજી ફગાવી દીધી છે, જોકે અરજદાર માટે અપીલ કરવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. બેંચે સ્પષ્ટ કહ્યું છે કે, જો અરજદારની અરજી સ્વિકારવામાં આવશે તો જરૂર નિર્ણય લેવામાં આવશે.

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) એટલે કે સઘન પુન:પરીક્ષણ પ્રક્રિયામાં મતદારોના નામ દૂર કરવા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.