VIDEO: બિહારમાં રસ્તા પર ઉતર્યું યુવાધન! પોલીસ ભરતી અને BPSC પરીક્ષામાં મોટી ગડબડ? પટનામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બિહારની રાજધાની પટનામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. બિહાર પોલીસ દરોગા ભરતી પરીક્ષા અને 70મી BPSC પરીક્ષામાં થયેલી કથિત અનિયમિતતાઓને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વહીવટીતંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું છે.
વિદ્યાર્થીઓની મુખ્ય માગો
વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પરીક્ષા પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી છે, જેના કારણે મહેનતુ ઉમેદવારોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ઉમેદવારોએ મુખ્યત્વે બે માગણીઓ રજૂ કરી છે. જેમાં કથિત અનિયમિતતાઓની સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી દ્વારા તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને શંકાસ્પદ બંને પરીક્ષાઓ રદ કરીને પારદર્શક રીતે ફરીથી પરીક્ષા લેવામાં આવે.
પટનામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રદર્શન સ્થળે મોટા પાયે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં બેરિકેડિંગ કરીને વિદ્યાર્થીઓને આગળ વધતા અટકાવવામાં આવી રહ્યા છે. કોઈપણ અપ્રિય ઘટના ન બને તે માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ઉપસ્થિત રહી સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની માગો સંતોષાશે નહીં ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.

