પત્નીને રસોડામાં પ્રવેશતા રોકવી એ માનસિક ત્રાસ છે, હાઈકોર્ટની કડક ટિપ્પણી

નાગપુર: લગ્ન બાદ પત્ની સાથે થતા ગેરવર્તન અને તેને ઘરના પાયાના અધિકારોથી વંચિત રાખવા બાબતે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે પત્નીને રસોડામાં જતી રોકવી અથવા તેને રસોઈ બનાવવા ન દેવી એ માત્ર સામાન્ય ઘરગથ્થુ ઝઘડો નથી, પરંતુ તે 'માનસિક ક્રૂરતા' સમાન છે.
શું હતો સમગ્ર મામલો?
મહારાષ્ટ્રના અકોલાની એક મહિલાના લગ્ન નવેમ્બર 2022 માં નાગપુરના એક યુવક સાથે થયા હતા. પત્નીના આરોપ મુજબ, લગ્નના થોડા સમય બાદ જ સાસરી પક્ષ અને પતિ દ્વારા તેની સાથે 'નોકરાણી' જેવું વર્તન શરૂ કરવામાં આવ્યું હતું. તેને પોતાના જ ઘરમાં રસોઈ બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને તેને બહારથી ખાવાનું મંગાવવા માટે મજબૂર કરવામાં આવતી હતી.
કોર્ટે પતિની અરજી ફગાવી
પતિએ પોતાની સામે નોંધાયેલા ઉત્પીડનના ગુનાહિત આરોપોને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પતિનો તર્ક હતો કે છૂટાછેડાની અરજી કર્યા બાદ બદલો લેવા માટે પત્નીએ ખોટી ફરિયાદ કરી છે. જોકે, જસ્ટિસ ઉર્મિલા જોશી-ફાલકેની બેન્ચે આ તર્કને ફગાવી દેતા પતિ સામેના આરોપો રદ કરવાનો ઇનકાર કર્યો હતો.
હાઈકોર્ટનું મહત્વનું અવલોકન:
અદાલતે આ કેસની સુનાવણી દરમિયાન કેટલીક ગંભીર ટિપ્પણીઓ કરી હતી:
-
ગરિમાનું હનન: પત્નીને રસોડામાં પ્રવેશતા રોકવી એ તેની ગરિમાને ઠેસ પહોંચાડવા સમાન છે.
-
માનસિક યાતના: પત્નીને પાયાની જરૂરિયાતોથી વંચિત રાખવી અને તેને સતત પરેશાન કરવી એ માનસિક ક્રૂરતા છે.
-
મૌલિક અધિકાર: પોતાના જ ઘરમાં રહેવા છતાં પણ પારકા જેવો અનુભવ કરાવવો અને સામાન્ય કામ માટે પણ પરવાનગી લેવા મજબૂર કરવી એ સ્ત્રી માટે અત્યંત કષ્ટદાયક છે.
અન્ય ગંભીર આરોપો
પત્નીએ માત્ર રસોઈના જ નહીં, પરંતુ તેના ઘરેણાં ઘરની બહાર ફેંકી દેવા, પિયર જતા રોકવી અને માનસિક દબાણ ઉભું કરી છૂટાછેડા લેવા મજબૂર કરવા જેવા ગંભીર આરોપો પણ લગાવ્યા છે. કોર્ટે આ તમામ બાબતોને ગંભીર ગણાવીને કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

