VIDEO: ‘લૂંટી લો બાપલિયા...’: ભોપાલમાં સોયાબીન તેલનું ટેન્કર પલટ્યું, ડબ્બા અને કેરબા ભરવા લોકો વચ્ચે જામી હોડ!
મધ્યપ્રદેશના ભોપાલમાં બુધવારે મોડી રાત્રે એક વિચિત્ર ઘટના સામે આવી હતી. VIP રોડ ચોરાહા (VIP Road Square) પાસે સોયાબીન રિફાઇન્ડ તેલથી ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું હતું. ટેન્કરમાં આશરે 35 ટન તેલ ભરેલું હતું, જેની કિંમત લગભગ રૂ.55 લાખ હોવાનું જણાવાયું છે. અકસ્માત બાદ મોટી માત્રામાં તેલ રસ્તા પર ઢોળાઈ જતાં થોડી જ વારમાં ત્યાં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.
રસ્તા પર તેલ ઢોળાતાં લોકો ડબ્બા લઈને દોડી આવ્યા
મળતી માહિતી મુજબ, ટેન્કર ઇન્દોરથી મંડીદીપ તરફ જઈ રહ્યું હતું. રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ VIP રોડ ચોરાહા પાસે ટેન્કર અચાનક અનિયંત્રિત થઈને પલટી ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી સોયાબીન તેલ રસ્તા પર ફેલાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા.
આશરે 300થી 400 લોકો ત્યાં એકઠા થયા હોવાનું જણાવાયું છે. કેટલાક લોકો ડબ્બા અને કન્ટેનર લઈને આવ્યા હતા, જ્યારે કેટલાક લોકો પોતાના વાહનોમાં પણ તેલ ભરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો (Video) પણ સામે આવ્યો છે.
પોલીસે પહોંચીને ભીડને કાબૂમાં લીધી
ટેન્કર પલટવાની જાણ થતાં પોલીસ (Police) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રસ્તા પર ફેલાયેલા તેલને લોકો લઈ જતા હોવાથી પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ભારે ભીડને કારણે થોડા સમય માટે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે લોકોને ત્યાંથી હટાવીને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી અને વાહનવ્યવહાર (Traffic) સામાન્ય કરાવ્યો હતો.
ટેન્કર ચાલક અને કંડક્ટરને ઈજા
અકસ્મતમાં ટેન્કર ચાલક અને કંડક્ટરને ઈજા થઈ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ (Hospital)માં લઈ જવામાં આવ્યા હતા. હાલ કોઈ મોટા જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે, રસ્તા પર મોટી માત્રામાં તેલ ફેલાઈ જવાથી વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થયું હતું, કારણ કે તેલના કારણે રોડ પર લપસણો બન્યો હતો.
કારની ભૂલથી અકસ્માત થયો હોવાનો દાવો
પ્રાથમિક માહિતી મુજબ ટેન્કર ચાલકે જણાવ્યું હતું કે ચોરાહા પર એક કાર ચાલકની ભૂલને કારણે ટેન્કર અનિયંત્રિત થયું અને ત્યારબાદ પલટી ગયું. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે પોલીસની તપાસ (Investigation) બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
55 લાખના તેલથી ભરેલું ટેન્કર, સુરક્ષા વ્યવસ્થા પર સવાલ
ટેન્કરમાં આશરે 35 ટન સોયાબીન રિફાઇન્ડ તેલ હતું અને તેની કિંમત લગભગ રૂ.55 લાખ હોવાનું જણાવવામાં આવ્યું છે. અકસ્માત બાદ તેલ રસ્તા પર ફેલાતાં લોકોની ભીડ એકઠી થઈ જવાથી સ્થિતિ વધુ જોખમી બની હતી. આવા સમયે તાત્કાલિક બેરિકેડિંગ (Barricading) અને સુરક્ષા ઘેરો બનાવવો જરૂરી બને છે.
આ ઘટનાએ અકસ્માત બાદ રસ્તા પર ફેલાયેલા માલસામાનની સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ (Traffic Management) અંગે પણ સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળની સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી છે અને અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે.

