સોનમ વાંગચુકનો મોટો ઘટસ્ફોટ: CJP નેતાઓ અંદરથી તૂટી ગયા હતા, હાથ જોડીને આંદોલન છોડવા માંગતા હતા

દિલ્હીના જંતર-મંતર પર 45 દિવસ સુધી ચાલેલા આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા સોનમ વાંગચુકે કોકરોચ જનતા પાર્ટી અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 26 દિવસ સુધી આમરણ ઉપવાસ પર બેસીને આંદોલનની કરોડરજ્જુ બનેલા 59 વર્ષીય વાંગચુકે જણાવ્યું કે CJP ના નેતાઓ આંદોલનને આગળ ખેંચવાના મૂડમાં નહોતા.
પોડકાસ્ટમાં વાંગચુકના ચોંકાવનારા ખુલાસા
વાંગચુક (Sonam Wangchuk) એ જણાવ્યું કે, CJPના નેતાઓ અંદરથી સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા અને હાથ જોડીને આંદોલનમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હતા. યુટ્યુબર પ્રખર ગુપ્તા (Prakhar Gupta) સાથે શનિવારે આપેલા એક પોડકાસ્ટમાં તેમણે ઘણા મહત્ત્વના ખુલાસા કર્યા હતા.
‘CJP નેતાઓનો ઉત્સાહ ડગમગવા લાગ્યો હતો‘
પડદા પાછળની કહાની જણાવતાં તેમણે કહ્યું કે, ‘જ્યારે ઉપવાસના 8-9 દિવસ બાદ ભીડ ઓછી થવા લાગી, ત્યારે CJP નેતાઓનો ઉત્સાહ ડગમગવા લાગ્યો હતો. હું નામ નહીં લઉં, પરંતુ નેતૃત્વમાં સામેલ એક-બે લોકો હંમેશાં એ સવાલ ઉઠાવતા હતા કે આ આંદોલનમાંથી બહાર કેવી રીતે નીકળવું. મેં જ્યારે તેમને પૂછ્યું કે તેઓ હજુ કેટલા દિવસ રોકાઈ શકે છે, ત્યારે તેમાંથી કેટલાકે હાથ જોડીને કહ્યું- સર, અમે જવા માંગીએ છીએ. અમે આ જગ્યા છોડવા માંગીએ છીએ.'
‘CJP નેતાઓનો જુસ્સો સંપૂર્ણપણે જનતાની ભીડ પર નિર્ભર હતો’
તેમણે આગળ કહ્યું કે, 'CJPનો એ ઉત્સાહ, જેની સાથે તેઓ વારંવાર જાહેરાત કરી રહ્યા હતા કે તેઓ આંદોલન પાછું નહીં ખેંચે, તે સમયાંતરે ઘણા પ્રસંગોએ બદલાતો રહ્યો. હું કહીશ કે તેમના રાજકીય મગજે આ બદલાતા ઉત્સાહમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. CJP નેતાઓનો જુસ્સો સંપૂર્ણપણે જનતાની ભીડ પર નિર્ભર હતો. 20 જુલાઈના રોજ સંસદ માર્ચ પહેલાં જ જ્યારે મને બળજબરીપૂર્વક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારે CJP નેતૃત્વને લાગતું હતું કે આ આંદોલનનું કોઈ પરિણામ નહીં આવે અને ઉત્સાહ તૂટી ચૂક્યો હતો.’
રાહુલ ગાંધીના હાથે ઉપવાસ છોડવાની ઈચ્છા
જ્યારે ઉપવાસ પૂરા કરાવવા માટે વિવિધ વિકલ્પો પર વિચારણા ચાલી રહી હતી, ત્યારે તેમણે પુષ્ટિ કરી હતી કે ઉપવાસ તોડાવવા માટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)નું નામ પણ આગળ કરવામાં આવ્યું હતું, જેથી કોઈક રીતે આંદોલનનો સન્માનજનક અંત બતાવી શકાય.
‘મને ઉપવાસ પર બેસવાની વિનંતી કરી’
તેમણે જણાવ્યું કે, 20 જૂનથી જ્યારે CJPએ આંદોલનની શરૂઆત કરી હતી, ત્યારે નેતાઓએ તેમની પાસે સમર્થન અને ઉપવાસ પર બેસવાની વિનંતી કરી હતી. તે સમયે સ્વિટ્ઝર્લેન્ડમાં તેમની એક સાયન્સ કોન્ફરન્સ હતી. CJP નેતાઓની પ્રતિબદ્ધતા ચકાસવા માટે તેમણે કહ્યું કે તેઓ 28 જૂને જોડાશે, જ્યારે પાર્ટી 20 જૂનથી પ્રદર્શન શરૂ કરે.
યુવા કાર્યકરોના જોરે શરૂ થયેલું આંદોલન
CJP ના નેતાઓ આ 8 દિવસના ઈંતેજારની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, જ્યારે યુવા કાર્યકરોએ 8 દિવસ સુધી મોરચો સંભાળી રાખ્યો, ત્યારે તેઓ 28 જૂને ઉપવાસ પર બેઠા હતા. ઉલ્લેખનીય છે કે CJP ના તે સમયના નેતૃત્વમાં તેના સ્થાપક અભિજીત દીપકે (Abhijeet Dipke), સહ-સ્થાપક આશુતોષ રાંકા (Ashutosh Ranka), સૌરવ દાસ (Saurav Das) અને પૂર્વ પ્રવક્તા વિજેતા દહિયા (Vijeta Dahiya) સામેલ હતા. વિજેતા દહિયાને તેમના 'અસંવેદનશીલ આચરણ' ના કારણે પાર્ટીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. હવે આ ખુલાસાઓએ 45 દિવસના આ મોટા રાજકીય આંદોલન પાછળની અસલી વાર્તા સામે લાવી દીધી છે.

