સોનમ વાંગચુકને ધરપકડ બાદ ચુસ્ત બંદોબસ્ત સાથે જોધપુરની જેલમાં ખસેડાયા

લદ્દાખમાં રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગણી સાથે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ ધરપકડ કરાયેલા પર્યાવરણવિદ્ અને શિક્ષણ કાર્યકર્તા સોનમ વાંગચુકને શુક્રવારે જોધપુર જેલમાં ખસેડવામાં આવ્યા હતા. એરપોર્ટ પર જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી વાંગચુકને ખાસ ફ્લાઇટ દ્વારા જોધપુર લવાયા હતા. તેમને ત્યાં કડક સુરક્ષા હેઠળ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. સોનમ વાંગચુકની તબીબી તપાસ પૂર્ણ થઈ ગઈ છે.આ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ચાર લોકોના મોત અને 90 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સુરક્ષા કારણોસર લદ્દાખ વહીવટીતંત્રે લેહ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરી દીધું છે.
લદ્દાખની રાજધાની લેહમાં થયેલી હિંસા બાદથી પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સતત નિશાના પર છે. એક દિવસ પહેલા સરકારે વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના FCRA લાઇસન્સ રદ કરી દીધું હતું. સોનમ વાંગચુકની આજે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
બેરોજગારી અને અધૂરા વચનના કારણે હિંસા થઈ : વાંગચુક
હિંસા અને દેખાવ બાદ તેમણે વધુમાં કહ્યું કે, ‘હિંસાનું મૂળ કારણ છ વર્ષથી ચાલતી બેરોજગારી અને સરકારના અધૂરા વચનો છે. સરકાર નોકરીના આરક્ષણ જેવી સામાન્ય બાબતોને મોટી સિદ્ધિ ગણાવીને રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, જ્યારે રાજ્યનો દરજ્જો અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓ હજુ પણ ઉકેલાયા નથી.’ હિંસા બાદ લેહમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે. બીજીતરફ વાંગચુકે 15 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.
હિંસા મુદ્દે વાંગચુક જવાબદાર : ગૃહમંત્રાલય
ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, ‘વાંગચુકના ઉશ્કેરણીજનક નિવેદનો અને રાજકીય રીતે પ્રેરિત વ્યક્તિઓના કારણે આ આંદોલન ભડક્યું છે. તેઓ સરકાર અને લદાખના સંગઠનો સાથે ચાલી રહેલી વાતચીતથી સંતુષ્ઠ ન હતા. મંત્રાલયે દાવો કર્યો છે કે, બુધવાર સાંજ સુધીમાં સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ સોશિયલ મીડિયામાં જૂના અને ભડકાઉ વીડિયો ન ફેલાવે.’

