NGO લાયસન્સ રદ થયા બાદ સોનમ વાંગચૂકની ધરપકડ, લેહમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ

લદ્દાખની રાજધાની લેહમાં થયેલી હિંસા બાદથી પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સતત નિશાના પર છે. એક દિવસ પહેલા સરકારે વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના FCRA લાઇસન્સ રદ કરી દીધું હતું. સોનમ વાંગચુકની આજે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.લેહમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. બ્રોડબેન્ડની સ્પીડ ઘટાડી દેવામાં આવી છે. તેમને જેલમાં ટ્રાન્સફર કરવા કે અન્ય વ્યવસ્થા કરવા તે અંગે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અગાઉ વાંગચૂક તેમની ધરપકડ થશે તેવી આશંકા પણ વ્યક્ત કરી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તી હતી. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ લેહ શહેરમાં કડક કર્ફ્યુ લાગુ કર્યો છે. બે દિવસ પહેલા પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથે થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા દરમિયાન ચાર લોકોના મોત થયા હતા અને 90 અન્ય ઘાયલ થયા હતા.
લદાખને રાજ્યનો દરજ્જો આપવા મામલે બુધવારે ભારે હિંસા થઈ હતી. હવે ગૃહમંત્રાલયે હિંસા મામલે પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકના ઉશ્કેરણીજનક નિવેદનોને જવાબદાર ઠેરવ્યા છે, જોકે વાંગચુકે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, ‘લદાખની વાસ્તવિક સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન હટાવી શકાય તે માટે મને બલિનો બકરો બનાવવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે.’
બેરોજગારી અને અધૂરા વચનના કારણે હિંસા થઈ : વાંગચુક
હિંસા અને દેખાવ બાદ તેમણે વધુમાં કહ્યું કે, ‘હિંસાનું મૂળ કારણ છ વર્ષથી ચાલતી બેરોજગારી અને સરકારના અધૂરા વચનો છે. સરકાર નોકરીના આરક્ષણ જેવી સામાન્ય બાબતોને મોટી સિદ્ધિ ગણાવીને રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, જ્યારે રાજ્યનો દરજ્જો અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓ હજુ પણ ઉકેલાયા નથી.’ હિંસા બાદ લેહમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે. બીજીતરફ વાંગચુકે 15 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.
હિંસા મુદ્દે વાંગચુક જવાબદાર : ગૃહમંત્રાલય
ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, ‘વાંગચુકના ઉશ્કેરણીજનક નિવેદનો અને રાજકીય રીતે પ્રેરિત વ્યક્તિઓના કારણે આ આંદોલન ભડક્યું છે. તેઓ સરકાર અને લદાખના સંગઠનો સાથે ચાલી રહેલી વાતચીતથી સંતુષ્ઠ ન હતા. મંત્રાલયે દાવો કર્યો છે કે, બુધવાર સાંજ સુધીમાં સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ સોશિયલ મીડિયામાં જૂના અને ભડકાઉ વીડિયો ન ફેલાવે.’

