અજમેર: 100થી વધુ વિદ્યાર્થિનીઓ પર દુષ્કર્મની ઘટનામાં 32 વર્ષ પછી મળ્યો ન્યાય, છ આરોપીઓને આજીવન કેદની સજા

રાજસ્થાનના અજમેરમાં બ્લેકેલ કાંડના 6 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફ ટાર્જન, સલીમ ચિશ્તી, ઇકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ જમીર હુસૈનને દોષી ગણ્યા છે.
નફીસ ચિશ્તી સહિત 6 લોકોને અજમેરની વિશેષ પૉક્સો કોર્ટે દોષી ગણ્યા છે. કૂલ 18 આરોપીઓમાંથી 9ને પહેલા જ સજા સંભળાવવામાં આવી ચુકી છે. જોકે, હાઇકોર્ટે 4 લોકોને દોષમુક્ત ગણાવતા છોડી મુક્યા હતા.
અજમેરના એક ફોટો સ્ટૂડિયો લેબમાંથી એક પત્રકારને યુવતીઓની ન્યૂડ તસવીરો મળી હતી. બીજા દિવસે અખબારમાં જ્યારે આ તસવીરો છપાતા આ ઘટનાનો ખુલાસો થયો હતો. રાજસ્થાનના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓ શિકાર બની ચુકી હતી.
મુખ્ય આરોપીઓમાં સામેલ સુહેલ ગની ચિશ્તી 26 વર્ષ સુધી ફરાર રહ્યો હતો. 25 હજાર રૂપિયાના ઇનામી આરોપીએ 2018માં સરેન્ડર કર્યું હતું. ઘટનાનો ખુલાસો થયા બાદ 30 પીડિતાઓ સામે આવી હતી અને 12 પીડિતાએ કેસ નોંધાવ્યો હતો. કોર્ટમાં ટ્રાલય દરમિયાન 2 પીડિતા જ સામેલ થઇ હતી અને કેટલીક પીડિતાએ તો શહેર છોડી દીધુ હતુ.
શું છે ઘટના?
અજમેરની એક ગેન્ગે 1992માં સ્કૂલ-કોલેજમાં ભણતી 250 યુવતીઓની નગ્ન તસવીરો મેળવી હતી પછી તેને લીક કરવાની ધમકી આપીને 100થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે ગેન્ગરેપ કર્યો હતો. ગેન્ગના લોકો સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓને ફાર્મ હાઉસમાં બોલાવતા હતા અને તેમની સાથે ગેન્ગરેપ કરતા હતા. કેટલીક સ્કૂલ તો અજમેરની જાણીતી સ્કૂલ હતી. એક અખબારે તેનો ખુલાસો કરતા આખી ઘટના સામે આવી હતી. આ બાળકીઓની ઉંમર 11થી 20 વર્ષની હતી.

