VIDEO: "શ્રાવણનું બહાનું કાઢી અખિલેશ યાદવનું હેલિકોપ્ટર જ રોકી દીધું! યુપીમાં સપાની રેલી રદ થતાં મોટી બબાલ
સમાજવાદી પાર્ટી (SP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર અને શાસન પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે બુલંદશહેરમાં પક્ષના પૂર્વ-આયોજિત કાર્યક્રમને પ્રશાસને શ્રાવણ માસનું બહાનું આગળ ધરીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ પણ વિવિધ બહાના હેઠળ કાર્યક્રમ અટકાવવામાં આવ્યો હતો.
અખિલેશ યાદવે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, બુલંદશહેરમાં સપા સંગઠન દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ પહેલેથી નક્કી હતી અને પાર્ટીના આગેવાનો જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ સંબંધિત વહીવટી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. અધિકારીઓ તરફથી વારંવાર એવી ખાતરી આપવામાં આવી રહી હતી કે જે મેદાન પર રેલી યોજવાની છે તેની મંજૂરી મળી જશે. જોકે, પાછળથી અધિકારીઓએ એવો દાવો કર્યો કે શ્રાવણ મહિનામાં આ કાર્યક્રમ યોજવો શક્ય નથી અને તારીખ આગળ વધારવાની સલાહ આપી. વાસ્તવમાં શ્રાવણને માત્ર એક બહાનું બનાવીને પરવાનગી નકારવામાં આવી હતી.
સપા વડાએ વધુમાં ઉમેર્યું કે, પ્રશાસનના કહેવા મુજબ પાર્ટીએ નવી તારીખ નક્કી કરી અને ફરીથી વિધિવત અરજી કરી, તેમ છતાં નિર્ધારિત સ્થળ માટે મંજૂરી આપવામાં આવી નહોતી. એટલું જ નહીં, રિઝર્વ પોલીસ લાઇન્સ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હોવાનું કારણ આપીને હેલિપેડની પરવાનગી પણ રદ કરી દેવામાં આવી હતી.
પોતાના આયોજન અંગે સ્પષ્ટતા કરતાં અખિલેશ યાદવે જણાવ્યું કે, "અમે કાર્યકરો સાથે બેઠક, કાર્યક્રમ અને પત્રકારો સાથે સંવાદનું સંપૂર્ણ શેડ્યૂલ નક્કી કર્યું હતું. આગામી સમયમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે ત્યારે કેવા નિર્ણયો લેવાશે તેની રૂપરેખા આપવા માંગતા હતા. ચૂંટણીઓ માટે રાજ્ય સ્તરનો ઢંઢેરો (મેનિફેસ્ટો) તો બને જ છે, પરંતુ ઘણીવાર જિલ્લા સ્તરના સ્થાનિક પ્રશ્નો ઉપેક્ષિત રહી જાય છે. અમે બુલંદશહેર જિલ્લાની સ્થાનિક સમસ્યાઓ અને વિકાસની મોટી યોજનાઓને ઓળખીને તેને મેનિફેસ્ટોમાં સામેલ કરવા માંગતા હતા, પરંતુ પ્રશાસને કાર્યક્રમ યોજવા દીધો નહીં."

