‘અન્ય પુરુષ સાથે પત્નીના જાતીય સંબંધો ગુનો નથી’ : હાઇકોર્ટ

રાજસ્થાનમાં એક પતિએ તેની પત્નીના અપહરણનો કેસ દાખલ કર્યો હતો, પરંતુ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે પત્નીએ કહ્યું કે તેનું કોઈએ અપહરણ કર્યું નથી, બલ્કે તે પોતાની ઈચ્છાથી એ જ પુરુષ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. જેમની સામે તેના પતિએ કેસ દાખલ કર્યો છે. તેના પર હાઈકોર્ટે કહ્યું કે આ કાયદાકીય ગુનો નથી.
કોર્ટે પતિની અરજી ફગાવી દીધી હતી
રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું કે જ્યારે બે પુખ્ત વયના લોકો લગ્નની બહાર સહમતિથી સંબંધ બાંધે છે તો તે કાનૂની અપરાધ નથી. જો કે, આ અનૈતિક માનવામાં આવે છે. હાઈકોર્ટે પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે વ્યભિચાર એ IPCની કલમ 497 હેઠળ અપવાદ છે, જે પહેલાથી જ રદ કરવામાં આવી છે. જસ્ટિસ બિરેન્દ્ર કુમારે કહ્યું કે આઈપીસી કલમ 494 (બિગમેમી) હેઠળનો કેસ કરવામાં આવ્યો ન હતો કારણ કે બંનેમાંથી કોઈએ જીવનસાથીના જીવનકાળ દરમિયાન બીજી વખત લગ્ન કર્યા ન હતા. જ્યાં સુધી લગ્ન સાબિત ન થાય ત્યાં સુધી લિવ-ઈન-રિલેશનશિપ કલમ 494 હેઠળ આવતી નથી.
પત્ની એફિડેવિટ સાથે કોર્ટમાં હાજર થઈ
અરજદારે ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્નીનું કોઈ વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ પછી તેની પત્ની એફિડેવિટ સાથે કોર્ટમાં હાજર થઈ. ત્યાં તેણે કહ્યું કે કોઈએ તેનું અપહરણ કર્યું નથી, પરંતુ તે પોતાની મરજીથી આરોપી સંજીવ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી. આના પર કોર્ટે કહ્યું કે આઈપીસીની કલમ 366 હેઠળ કોઈ ગુનો કરવામાં આવ્યો નથી અને એફઆઈઆર રદ કરવામાં આવે છે.
અરજદારના વકીલની દલીલ?
સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે દલીલ કરી હતી કે મહિલાએ સ્વીકાર્યું છે કે તેણી સંજીવ સાથે લગ્નેત્તર સંબંધ ધરાવે છે, તેથી તે IPCની કલમ 494 અને 497 હેઠળ ગુનો બને છે. વકીલે કોર્ટને સામાજિક નૈતિકતાના રક્ષણ માટે અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને સિંગલ બેન્ચે કહ્યું કે, “આ સાચું છે કે આપણા સમાજમાં મુખ્ય ધારાનો મત એ છે કે શારીરિક સંબંધો ફક્ત પરિણીત યુગલ વચ્ચે જ હોવા જોઈએ, પરંતુ જ્યારે બે પુખ્ત વયના લોકો લગ્નની બહાર સહમતિથી સંબંધ ધરાવતા હોય તો તે ગુનો નથી. જો કે, તે અનૈતિક માનવામાં આવે છે.”
પુખ્ત મહિલા ઈચ્છે તેની સાથે રહી શકે છેઃ કોર્ટ
કોર્ટે કહ્યું, “એક પુખ્ત મહિલા જેની સાથે ઇચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે અને જેની સાથે તે ઇચ્છે તેની સાથે રહી શકે છે.” અરજદારની પત્નીએ એક આરોપી વ્યક્તિ સાથે સંયુક્ત રીતે પોતાનો જવાબ દાખલ કરતી વખતે કહ્યું છે કે તેણે પોતાની મરજીથી ઘર છોડ્યું છે અને તે સંજીવ સાથે સંબંધમાં છે.

