બદલાપુરમાં 4 વર્ષની વિદ્યાર્થિની સાથે જાતીય સતામણી, SITની રચના કરવામાં આવી

મહારાષ્ટ્રના બદલાપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક પ્રતિષ્ઠિત શાળામાં સફાઈ કામદાર દ્વારા બે ચાર વર્ષની બાળકીઓનું યૌન શોષણ થયા બાદ સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. શરૂઆતમાં શાળા પ્રશાસન અને પોલીસે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે પીડિત યુવતીઓના માતા-પિતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા તો મહિલા પોલીસ અધિકારીએ તેમને લગભગ 12 કલાક સુધી બેસાડી રાખ્યા હતા. આ ઘટના મામલે ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે SITની રચના કરી છે.
એ પછી બબાલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાનો પડઘો પડતાં છેક મુખ્યમંત્રી સુધી વાત પહોંચી છે. મુખ્યમંત્રી શિંદેએ પણ આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે.
વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શુભદા શિતોલેની તાત્કાલીક થાણે કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. આ પછી શાળાના આચાર્ય, સંબંધિત વર્ગ શિક્ષક અને બે સહાયક કર્મચારીને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે. જો કે શાળા પ્રશાસને હજુ સુધી આ બાબતે વાલીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી નથી. શાળા પ્રશાસન કોઈ વાત કરવા તૈયાર ન હોવાને કારણે વાલીઓ હાલ ખૂબ જ ગુસ્સે ભરાયા છે.
મંગળવારે સવારે બદલાપુરના ગુસ્સે થયેલા લોકોનું ટોળું શાળામાં ઘૂસીને ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા. જોકે શાળા વહિવટી તંત્રમાંથી કોઈએ વાલીઓ સામે આવવાની હિંમત દાખવી નથી. શાળાના ગેટ પાસે લોકોના ટોળા એકઠા થયા હતા પરંતુ ત્રણ કલાક પછી પણ આ અંગે શાળા પ્રશાસન સાથે વાત કરવા કોઈ આગળ આવ્યું નથી.
શાળાએ માફી માંગી
બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર સફાઈ કર્મચારીના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. શાળા દ્વારા વાલીઓને માફી પત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું છે કે, જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ, ઘૃણાસ્પદ અને નિંદનીય છે. શાળા પ્રશાસને કહ્યું છે કે, અમે આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો છે.

