VIDEO : ડોડામાં રાંધણ ગેસની તીવ્ર અછત, ઉજ્જવલા યોજનામાં ગેરરીતિના આક્ષેપ સાથે વહીવટીતંત્ર દ્વારા તપાસના આદેશ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આવેલા ભલેસા ગંદોહ વિસ્તારમાં રાંધણ ગેસ ની ભારે અછત સર્જાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રહેવાસીઓનો આરોપ છે કે તેઓ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ગેસ રિફિલ માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમને સિલિન્ડર મળી રહ્યા નથી. આ ઉપરાંત, ગ્રામજનોએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેરરીતિઓ થતી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેસ એજન્સીઓ દ્વારા વિતરણમાં અનિયમિતતા કરવામાં આવે છે, જેના કારણે ગરીબ પરિવારોને લાકડા પર રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે. આ મામલે હોબાળો થતાં વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. હાલમાં આ તમામ આક્ષેપોની તપાસ અને વેરિફિકેશન પ્રક્રિયા ચાલી રહી છે. સત્તાવાળાઓ દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની યાદી અને વિતરણના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી સત્ય બહાર આવી શકે.

