ચંદ્ર પર માણસ મોકલવાની તૈયારી, ઈસરોએ જણાવ્યું કયા વર્ષમાં લહેરાશે તિરંગો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ કાઉન્સિલના અધ્યક્ષ ડૉ.એસ.સોમનાથનું કહેવું છે કે ભારત 2040માં ચંદ્ર પર ઉતરશે. તેમણે કહ્યું કે અમે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ચંદ્ર પર મનુષ્યને લેન્ડ કરીશું. એટલું જ નહીં, 2035માં ભારતીય સ્પેસ સ્ટેશનની સ્થાપના કરવાનું લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે. સ્પેસ સ્ટેશન મોડ્યુલને 2028માં લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ આ મિશન આગામી 7 વર્ષમાં પૂર્ણ થશે. ભારતના ચંદ્રયાન મિશનની મોટી સફળતા બાદ, ISROનું આ મહત્વાકાંક્ષી મિશન વચગાળામાં સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતા બતાવવા જઈ રહ્યું છે. એસ. સોમનાથે કહ્યું કે અમે આગામી 15 વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે અને લાંબા ગાળાના વિઝન સાથે પ્રયાસો કરી રહ્યા છીએ.
મોદી સરકારે ઈસરો માટે 31 હજાર કરોડ રૂપિયાનું ફંડ બહાર પાડ્યું છે. આ અંગે વાત કરતા ઈસરોના ચીફ એસ. સોમનાથે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'મને વિશ્વાસ છે કે આ વર્ષ અમારા માટે ઘણું શાનદાર રહેશે. અમે અમારા મિશન પર આગળ વધીશું. આ ઉપરાંત પીએમના વિઝનના આધારે ભવિષ્યનો રોડમેપ પણ નક્કી કરવામાં આવશે. સ્પેસ પ્રોગ્રામના ઈતિહાસમાં પ્રથમ વખત અમારી પાસે આગામી 25 વર્ષ માટેની યોજના છે. આ યોજના હેઠળ ભારત એક સ્પેસ સ્ટેશન સ્થાપવા જઈ રહ્યું છે, જે 2028થી શરૂ થશે. આ સિવાય ભારતે 2040માં ચંદ્ર પર માનવ મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.’

