રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો વોટર લિસ્ટનો મુદ્દો, Budget સેશનના બીજા તબક્કાની શરૂઆત

બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત થઇ ચુકી છે અને આ સત્ર સોમવારથી શરૂ થઇને 4 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ મણિપુરને લઇને બજેટ રજૂ કરવાના છે. સાથે જ વકફ બોર્ડ સંશોધન બિલ પર પણ સંસદની મોહર લગાવવામાં આવી શકે છે. બીજી તરફ વિપક્ષ મણિપુરમાં ભડકેલી હિંસા, પરિસીમન અને ભાષા વિવાદને લઇને કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીમાં છે.
રાહુલ ગાંધીએ ઉઠાવ્યો વોટર લિસ્ટનો મુદ્દો
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વોટર લિસ્ટનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે વિપક્ષ મળીને એમ કહી રહ્યું છે કે તેના પર ચર્ચા થવી જોઇએ, તેમને કહ્યું કે વોટર લિસ્ટ સરકાર નથી બનાવતી તે વાત અમે માનીએ છીએ પરંતુ તેના પર ચર્ચા થવી જોઇએ. સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે વોટર લિસ્ટમાં ગડબડનો આરોપ લગાવતા કહ્યું કે આ અંધેર થઇ ગયું છે.
ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન રેકોર્ડમાંથી હટાવાયું
લોકસભા સ્પીકરે જણાવ્યું કે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના શબ્દને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું છે.તે બાદ પણ વિપક્ષી સાંસદોએ સદનમાં હંગામો કર્યો હતો. અર્જુનરામ મેઘવાલે વિપક્ષની ટીકા કરતા કહ્યું કે આ લોકો ચેરને ધમકાવી રહ્યાં છે. તે બાદ સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજુએ કહ્યું કે સ્પીકરે તમામને બરાબરનો સમય આપ્યો છે અને ક્યારેય પક્ષપાત કર્યો નથી. સ્પીકરે કહ્યું કે જે પણ સભ્ય સદનની મર્યાદા તોડશે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
લોકસભામાં કનિમોઝી Vs ધર્મેન્દ્ર પ્રધાન
લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ સ્પીકરે કહ્યું કે સ્થગન પ્રસ્તાવની કેટલીક નોટિસ મળી છે પરંતુ કોઇ પણ નોટિસને સ્વીકાર કરવામાં આવી નથી. સ્પીકરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મળેલી જીત પર ભારતને શુભેચ્છા પાઠવી હતી. તે બાદ ડીએમકે સાંસદ કનિમોઝીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તે નિવેદનની ટીકા કરી હતી જેમાં તેમને તમિલનાડુના નેતાઓને અસભ્ય ગણાવ્યા હતા. આ મુદ્દાને લઇને ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે જો એમ આમ કહ્યું છે તો હું મારા શબ્દોને પરત ખેચું છું.
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ
લોકસભામાં સ્પીકર ઓમ બિરલાના આદેશ પર પ્રશ્નકાળ શરૂ થયો છે. રાજ્યસભામાં સ્વર્ગીયોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તમામ સભ્યોએ બે મિનિટનું મૌન રાખ્યુ હતું. આ સિવાય ઉચ્ચ સદનમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
વકફ સંશોધન બિલ પર ફોકસ
સત્ર દરમિયાન સરકાર વકફ સંશોધન બિલ પ્રસાર કરવા પર ભાર આપશે. સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂએ કહ્યું હતું કે સરકાર વકફ સંશોધન બિલને જલદી પસાર કરાવવા માંગે છે કારણ કે તેનાથી મુસ્લિમ સમાજના કેટલાક મુદ્દા હલ થશે. સંસદની સંયુક્ત સમિતિએ વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે બિલ પર પોતાનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરી દીધો છે.

