VIDEO: "'ગઈકાલે રાત્રે એક વીડિયો જોયો અને...' PM મોદીએ વડોદરામાં સ્ટેજ પરથી કર્યો આશ્ચર્યજનક ખુલાસો!"
વડોદરા ખાતે આયોજિત 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરના નાગરિકોના ઉત્સાહ અને સક્રિય ભાગીદારીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. સમગ્ર શહેરમાં ચલાવવામાં આવેલા 'સ્વચ્છતા સે સ્વાગત' અભિયાનનો ખાસ ઉલ્લેખ કરતાં તેમણે સ્થાનિક લોકોની સેવાભાવના અને સમર્પણને બિરદાવ્યા હતા.
વડાપ્રધાને જણાવ્યું કે, "વડોદરાના દરેક નાગરિકે જે સેવાભાવથી સમગ્ર શહેરમાં 'સ્વચ્છતા સે સ્વાગત' અભિયાન ચલાવ્યું છે, તે બદલ હું આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આપની પ્રશંસા કરું છું. ગઈકાલે હું એક વિડીયો જોઈ રહ્યો હતો, જેને જોઈને મારું હૃદય અત્યંત ગર્વથી ભરાઈ ગયું."
વિકસિત ભારતના સંકલ્પનો પુનરોચ્ચાર કરતાં તેમણે લાલ કિલ્લા પરથી આપેલા સંદેશનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, "આ વર્ષે લાલ કિલ્લા પરથી મેં 'વિકસિત ભારત'ના નિર્માણ માટે 'સપ્તધારા' એટલે કે સાત સંકલ્પોનું આહ્વાન કર્યું હતું. આ સાત ધારાઓ પૈકીની એક મહત્વપૂર્ણ ધારા 'ગતિશક્તિ' છે."
દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને ઝડપી બનાવી રાષ્ટ્રના સર્વાંગી વિકાસને નવી દિશા આપવા માટે 'પીએમ ગતિશક્તિ' મહત્વની ભૂમિકા ભજવી રહી છે, જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં નિર્ણાયક સાબિત થશે. વડોદરાના જાગૃત નાગરિકોનો આ સામૂહિક પ્રયાસ સમગ્ર દેશ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે થયેલી ક્રાંતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 2800 કિલોમીટર લાંબા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર હવે ભારતના વેપાર અને વાણિજ્યની કરોડરજ્જુ સાબિત થઈ રહ્યા છે.
પરિવહન ક્ષેત્રે મોટો બદલાવ
સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, "ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ઝડપથી આગળ વધી રહેલા ભારતના વિકાસની લાઈફલાઈન છે, જેણે દેશના પરિવહન ક્ષેત્રનું ચિત્ર બદલી નાખ્યું છે. અગાઉ માલગાડીઓ અને પેસેન્જર ટ્રેનો એક જ પાટા પર દોડતી હતી, જેના કારણે યાત્રીઓનો પ્રવાસ અને માલસામાનની હેરફેર બંને અત્યંત ધીમા પડતા હતા. પરંતુ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરે આ સ્થિતિ સંપૂર્ણપણે બદલી નાખી છે."
સમય અને ઇંધણની ભારે બચત
કોરિડોરના પરિણામો અને આંકડા રજૂ કરતાં તેમણે ઉમેર્યું કે, હાલ ઇસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર પર પ્રતિદિન ૪૩૦થી વધુ માલગાડીઓ દોડી રહી છે. અગાઉ જે માલગાડીને 100 કિલોમીટરનું અંતર કાપવામાં 6.5 કલાક લાગતા હતા, તે હવે અડધા કરતાં પણ ઓછા સમયમાં પૂર્ણ થાય છે. ટ્રક દ્વારા જે મુસાફરીમાં સામાન્ય રીતે 30 કલાક જેટલો સમય જતો હતો, તે અંતર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર માત્ર 10 થી 12 કલાકમાં કપાઈ રહ્યું છે. આ કોરિડોરના કાર્યરત થવાથી માત્ર સમયની જ નહીં, પરંતુ ટ્રક અને ટ્રેનો બંનેના ઇંધણની મોટી બચત થઈ રહી છે. પરિણામે માલવાહક ખર્ચ (ફ્રેઇટ કોસ્ટ) ઘટ્યો છે અને સાથે સાથે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થતાં પર્યાવરણને પણ મોટો ફાયદો મળી રહ્યો છે.
વડોદરા ખાતે આયોજિત 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની સરકારની ધીમી કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, "વર્ષ 2014માં વડોદરા, ગુજરાત અને સમગ્ર દેશના લોકોએ મને ગુજરાતથી દિલ્હી મોકલ્યો હતો. અગાઉની સરકાર 2014 સુધી સત્તામાં રહી; તમે મને ત્યાં મોકલ્યો અને જનતાએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો. 7-8 વર્ષોમાં ફ્રેઇટ કોરિડોર પર એક કિલોમીટરનું કામ પણ પૂરું થયું નહોતું. જો દેશ તેમની પદ્ધતિઓ મુજબ જ ચાલ્યો હોત, તો કોણ જાણે કદાચ ત્રણ કે ચાર પેઢીઓ વીતી ગઈ હોત તોય આ કામ પૂરું ન થયું હોત. ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રનો કાયાકલ્પ કરનારા એક પ્રોજેક્ટને તેમણે આવી હાલતમાં છોડી દીધો હતો. 2014 પછી મેં તરત જ આ કામને ગતિ આપવાનું શરૂ કર્યું."

