અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સત્યપાલ મલિક થઈ રહ્યા છે ટ્રેન્ડ, ભવિષ્યવાણીની પણ કરી ચર્ચા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અનેક નેતાઓના નિવેદનો આવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, સંદીપ દીક્ષિત જેવા નેતાઓએ કહ્યું છે કે, તેઓ તેમની સાથે ઉભા રહેશે, જ્યારે અખિલેશ યાદવ જેવા નેતાઓએ પણ કેજરીવાલની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન સત્યપાલ મલિક ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. સત્યપાલ મલિકે ગત વર્ષે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. તેમની વાત શબ્દશઃ સાચી સાબિત થઈ છે. હાલમાં લોકો સત્યપાલ મલિકના એ સ્ટેટમેન્ટની ક્લિપ શેર કરતાં લખી રહ્યા છે કે, મલિકની આગાહી સાચી સાબિત થઈ છે.
આ બાબતે ખુદ સત્યપાલ મલિકે પણ ટ્વીટ કરતા કહ્યું કે, મેં પહેલા જ કહ્યું હતું કે ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે. એટલું જ નહીં સત્યપાલ મલિકે પીએમ નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ગાદી પર બેઠેલા સરમુખત્યાર કાયર માણસો છે, જે દેશની સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે સત્યપાલ મલિક છેલ્લા ઘણા સમયથી પીએમ નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનથી જ તેઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.
સત્યપાલ મલિકે X પર લખ્યું, 'મેં લગભગ 10 મહિના પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ મોદી સરકાર અરવિંદ કેજરીવાલની ચૂંટણી પહેલા ધરપકડ કરશે. ગાદી પર બેઠેલા સરમુખત્યાર કાયર છે, જે દેશની સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને મોદી સરકારે પોતાની શબપેટીમાં છેલ્લો ખીલો ઠોકી દીધો છે.
જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સીબીઆઈની ટીમ પણ સત્યપાલ મલિકના ઘરે પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરમાં એક હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં થયેલી ગેરરીતિના સંદર્ભમાં ટીમ તેના ઘરે પહોંચી હતી. આ દરમિયાન સત્યપાલ મલિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે આને હેરાનગતિ ગણાવી અને આરોપ લગાવ્યો કે તેમના સ્ટાફને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે.

