પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રનું 91 વર્ષની વયે નિધન

સોર્સ : GSTV
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ પંડિત છન્નુલાલ મિશ્રનું 91 વર્ષની વયે અવસાન થયું. આઝમગઢમાં જન્મેલા પંડિત છન્નુલાલે પોતાની ભાવનાત્મક ગાયકીથી ઠુમરી અને પૂર્વા અંગ શૈલીઓને અમર બનાવી દીધી. તેઓ કિરાણા-બનારસ ઘરાનાના પ્રતિનિધિ હતા. તેમને 2020માં પદ્મ વિભૂષણથી સન્માનિતમાં આવ્યા હતા.
પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય સંગીતકાર પંડિત છન્નુલાલ મિશ્રનું ગુરુવારે સવારે 4:15 વાગ્યે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં 91 વર્ષની વયે અવસાન થયું. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર હેઠળ હતા. જે પછી તેમને મિર્ઝાપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 2 ઓકટોબર, ગુરુવારના રોજ વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
છન્નુલાલ મિશ્રના નિધનથી સંગીત જગતમાં શોક છવાયેલો છે. આજે વારાણસીના મણિકર્ણિકા ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પંડિત છન્નુલાલ મિશ્રાએ શાસ્ત્રીય ગાયનની ખયાલ અને પૂર્વીય ઠુમરી શૈલીઓને નવી ઊંચાઈ આપી હતી.
પંડિત છન્નુલાલ મિશ્રનો જન્મ 3 ઓગસ્ટ, 1936ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના હરિહરપુર ગામમાં થયો હતો. તેમણે તેમની પ્રારંભિક સંગીતની તાલીમ તેમના પિતા બદ્રી પ્રસાદ મિશ્ર પાસેથી લીધી હતી. ત્યાર બાદ તેમણે કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ ગની ખાન પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીતની ગહન તાલીમ મેળવી હતી. તેઓ પ્રખ્યાત તબલા વાદક પંડિત અનોખેલાલ મિશ્રાના જમાઈ પણ હતા. મૂળ તે બનારસના હતા. પંડિત છન્નુલાલે તેમના ઊંડા, ભાવનાત્મક અને અનોખા અવાજથી ઠુમરી અને પૂર્વ અંગ ગાયન શૈલીઓને અમર બનાવી દીધી હતી.
તેમણે ફિલ્મ "રિઝર્વેશન"માં બે ગીતો ગાયા
તેમણે તેમના સંગીત કારકિર્દીમાં અનેક પુરસ્કારો હાંસલ કર્યા હતા. પંડિત છન્નુલાલ મિશ્રને 2010માં 'પદ્મ ભૂષણ' અને 2020માં 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સુર સિંગર સંસદ, બોમ્બે તરફથી "શિરોમણિ એવોર્ડ" જીત્યો હતો અને 'ઉત્તર પ્રદેશ સંગીત નાટક અકાદમી એવોર્ડ', 'બિહાર સંગીત શિરોમણી એવોર્ડ' અને 'નૌશાદ એવોર્ડ' જેવા સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા તેમને સંગીત નાટક અકાદમી ફેલોશિપથી નવાજવામાં આવ્યા હતા. પંડિત છન્નુલાલ મિશ્રાએ પ્રકાશ ઝાની 2011ની ફિલ્મ "રિઝર્વેશન"માં "સાંસ અલબેલી" અને "કૌન સી દોર" જેવા ગીતો ગાયા હતા.
કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમના પત્નીનું અવસાન થયું
તુલસીદાસના રામાયણ, કબીરના ભજનો અને છૈત, કજરી અને ઠુમરી જેવા રાગોના તેમના રેકોર્ડિંગ્સ આજે પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. કોરોના કાળમાં પંડિત છન્નુલાલ મિશ્રાને વ્યક્તિગત દુઃખ સહેવું પડ્યું હતું. ૨૦૨૧માં તેમની પત્ની માણિક રાની મિશ્ર અને તેમની દીકરી સંગીતા કોટોન સંક્રમિત હોવાને કારણે તેમનું નિધન થઈ ગયું હતું. હાલના સમયમાં તે સ્વાસ્થ્યને લગતી બીમારીઓથી હેરાન થતાં હોવા છતાં પણ સંગતની સાધના કરતાં રહ્યા. અને તેમની તબિયત માટે ચિકિત્સકોની ટીમ હાજર પણ રહેતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014ના લોકસભા ચુંટણીમાં તેમને પ્રસ્તાવક બનાવ્યા હતા.

