VIDEO: "જેલ મોકલીશું કાં તો જહન્નમ..." કૈરાનાનું ઉદાહરણ યાદ રાખજો! મથુરાથી CM યોગીની ગુંડાઓને ખુલ્લી ચેતવણી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના ગુનેગારો અને અસામાજિક તત્વોને આકરા શબ્દોમાં ચેતવણી આપતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ગુંડાગર્દી કરનારાઓનું પરિણામ અત્યંત ખરાબ આવશે. મથુરામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે કૈરાનાનું ઉદાહરણ ટાંકીને કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા અંગે સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો.
સીએમ યોગીએ જણાવ્યું હતું કે, "આજનું ઉત્તર પ્રદેશ પડકારોથી ભાગતું નથી, પરંતુ તે પડકારોમાં શક્યતાઓ શોધે છે અને તેને ઉકેલ સુધી પહોંચાડીને સફળતાના નવા સીમાચિહ્નો સ્થાપિત કરે છે." તેમણે અગાઉની સરકારો પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે જે લોકો પડકારોને માત્ર સમસ્યા માનતા હતા, તેમણે ઉત્તર પ્રદેશને કરફ્યુગ્રસ્ત, રમખાણગ્રસ્ત અને અરાજક રાજ્યમાં ફેરવી નાખ્યું હતું. પરંતુ આજે રાજ્યમાં ન તો કરફ્યુ છે અને ન તો રમખાણો, આજે યુપીમાં ‘સબ ચંગા હૈ’.
કાયદાના શાસન અને મહિલા સુરક્ષા અંગે તેમણે અત્યંત આક્રમક વલણ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું, "કાયદાનું શાસન શું હોય છે તે કૈરાનાની એ દીકરી પાસેથી જાણવું જોઈએ જેણે બાળપણમાં પિતા ગુમાવ્યા હતા. દીકરીઓની સુરક્ષા સાથે કોઈએ પણ છેડછાડ કરી તો તેને સીધા જેલ અથવા જહન્નમમાંથી એક જગ્યાએ પહોંચાડવામાં આવશે. આવા ગુના સામે સરકાર કોઈ બાંધછોડ કરશે નહીં." તેમણે ઉમેર્યું કે કૈરાનામાંથી હવે કોઈ પલાયન થતું નથી અને જે કોઈ તાકાત અજમાવવાનો પ્રયાસ કરશે તેની તાકાત ચકનાચૂર કરી દેવામાં આવશે.
પોતાના સંબોધનના અંતે રાજકીય માહોલ પર વાત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટો દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર પૂર્ણ બહુમત સાથે ધમાકેદાર રીતે સરકાર બનાવશે.

