'મુંબઇ મહારાષ્ટ્રને ના આપતા', રાજ ઠાકરેએ ભાષા વિવાદમાં સરદાર પટેલનું નામ ઉછાળતા વિવાદ

MNS પ્રમુખ રાજ ઠાકરેએ ભાષા વિવાદ પર એક જનસભાને સંબોધતા સરદાર પટેલનું નામ ઉછાળતા વિવાદ ઉભો થયો છે. રાજ ઠાકરેએ કહ્યું કે, સરદાર પટેલ મુંબઇને મહારાષ્ટ્રમાં સામેલ કરવાના વિરોધી હતા અને ગુજરાતી વેપારીઓની મુંબઇ પર નજર હતી. રાજ ઠાકરેના નિવેદન બાદ ગુજરાતીઓ રોષે ભરાયા છે.
રાજ ઠાકરેએ સરદાર પટેલનું નામ લેતા વિવાદ
જનસભાને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું કે સરદાર વલ્લભભાઇ પટેલે કહ્યું હતું કે મુંબઇ, મહારાષ્ટ્રને ના આપતા, અમે જેમને આદરથી જોઇએ છીએ, તેમને મુંબઇને મહારાષ્ટ્રને આપવાનો વિરોધ કર્યો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે, સરદાર પટેલ ભારતના એકીકરણ માટે જાણીતા હતા જેમાં તેમણે 562થી વધુ રજવાડાંઓને ભારતીય સંઘમાં સામેલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
મહારાષ્ટ્રમાં રહેવું હોય તો શાંતિથી રહો- રાજ ઠાકરે
MNS પ્રમુખે કહ્યું, "તમને શું લાગે છે, મરાઠી વેપારી નથી. કેટલા દિવસ સુધી બંધ કરીને રાખશો.અમે કઇ ખરીદીશું ત્યારે જ કઇ થશે? મહારાષ્ટ્રમાં રહેવું છે તો શાંતિથી રહો."
મુંબઇ કેવી રીતે મહારાષ્ટ્રનો ભાગ બન્યું?
1947માં ભારતના વિભાજન અને સ્વતંત્રતા બાદ, મુંબઇ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતું જેમાં ગુજરાતી અને મરાઠી બોલતા વિસ્તારોનો સમાવેશ થતો હતો. 1950ના દાયકામાં, ભાષાકીય આધારે રાજ્યોનું પુનર્ગઠન થયું, જેમાં સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ દ્વારા મુંબઇને મહારાષ્ટ્રમાં સામેલ કરવાની માગણી થઇ હતી. આ ચળવળ દરમિયાન ગુજરાતી અને મરાઠી સમુદાયો વચ્ચે મુંબઇની સ્થિતિ અંગે વિવાદ થયો હતો, કારણ કે ગુજરાતી વેપારીઓનું મુંબઇમાં નોંધપાત્ર આર્થિક પ્રભુત્વ હતું.
કેટલાક સૂચનો અનુસાર, સરદાર પટેલ, ગુજરાતી મૂળના હોવાથી, મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે રાખવાની તરફેણમાં હતા, જેથી તે ગુજરાતી અને મરાઠી બંને સમુદાયો માટે નિષ્પક્ષ રહે. જોકે, આ વિશે સ્પષ્ટ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી કે તેમણે સીધો વિરોધ કર્યો હતો. 1960માં, સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળના દબાણને કારણે મુંબઈને મહારાષ્ટ્રની રાજધાની તરીકે સામેલ કરવામાં આવ્યું અને ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બન્યા.

