મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ચૂંટણી પંચનો ડેટા છે, હું સહી કેમ કરું?' ECની ડિમાન્ડ સામે રાહુલ ગાંધીનો જવાબ

વિપક્ષી સાંસદોએ સોમવારે બિહારમાં મતદાર યાદીમાં સુધારા અને 'મત ચોરી'ના આરોપ સામે સંસદથી ચૂંટણી પંચ સુધી કૂચ કાઢ

'ચૂંટણી પંચનો ડેટા છે, હું સહી કેમ કરું?' ECની ડિમાન્ડ સામે રાહુલ ગાંધીનો જવાબ

વિપક્ષી સાંસદોએ સોમવારે બિહારમાં મતદાર યાદીમાં સુધારા અને 'મત ચોરી'ના આરોપ સામે સંસદથી ચૂંટણી પંચ સુધી કૂચ કાઢી હતી, પરંતુ પોલીસે તેમને અધવચ્ચે જ રોકીને બધાની અટકાયત કરી હતી. આ કૂચમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી પક્ષોના સાંસદો સામેલ હતા.

'ચૂંટણી પંચનો ડેટા ફૂટશે'

સંસદથી ચૂંટણીપંચની ઓફિસ સુધીની કૂચ દરમિયાન મીડિયાએ રાહુલ ગાંધીને પૂછ્યું કે, ચૂંટણી પંચે તમને નોટિસનો જવાબ આપવા કહ્યું તો તેનો જવાબ કેમ નથી આપતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ડેટા તો ચૂંટણીપંચનો છે. મારો ડેટા જ નથી તો હું કેમ સહી કરું. અમે કહીએ છીએ કે તમે સાચો ડેટા વેબસાઈટ ઉપર મૂકો. બધાને ખબર પડી જશે. આવું ફક્ત બેંગલુરુમાં નહીં પરંતુ દેશના અનેક મતવિસ્તારોમાં થયું છે. ચૂંટણી પંચ જાણે છે કે તેમનો ડેટા બોમ્બ ફૂટશે એટલે તેને મેનેજ કરવાના અને છૂપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ચૂંટણી પંચે નોટિસ આપી

કર્ણાટકની મતદાર યાદીમાં અનિયમિતતા અંગે રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને મતદારોના નામ, સરનામા અને ઓળખમાં ગોટાળાના આરોપોના પુરાવા રજૂ કરવા અને સોગંદનામા પર સહી કરવા જણાવ્યું છે. જો તેઓ આવું ના કરે તો નિવેદન પાછું ખેંચી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.

વિપક્ષી સાંસદોનો કૂચ

પોલીસે સંસદ માર્ગ પર પીટીઆઈ બિલ્ડિંગ પાસે બેરિકેડ લગાવીને રસ્તો બ્લોક કરી દીધો. આ પછી ઘણા સાંસદોએ રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા. ટીએમસીના મહુઆ મોઇત્રા, કોંગ્રેસના સંજના જાટવ અને જોતિમાણી સહિત કેટલીક મહિલા સાંસદો બેરિકેડ પર ચઢીને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. પોલીસે બધાને બસોમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગયા પછી તેમને છોડી મૂક્યા હતા.

'આ લડાઈ રાજકીય નથી, પરંતુ બંધારણ બચાવવા માટે'

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ લડાઈ રાજકીય નથી, પરંતુ બંધારણ બચાવવા માટે છે. આ લડાઈ 'વન મેન વન વોટ' માટે છે. અમે સ્વચ્છ મતદાર યાદી ઇચ્છીએ છીએ.' તેમણે આરોપ લગાવ્યો કે, કર્ણાટકના એક વિધાનસભા મતવિસ્તારમાં તેમની પાર્ટીના સંશોધનમાં એક લાખથી વધુ નકલી મતો બહાર આવ્યા છે અને ચૂંટણી પંચ આ સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો