‘મોદીજી મિત્રો માટે જે યોગ્ય લાગે તે કરો, અમે...’, એપસ્ટિન ફાઈલનો ઉલ્લેખ કરી મોદી સરકાર પર સાધ્યું નિશાન
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી ‘એપસ્ટિન ફાઈલ’નો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ મામલે શુક્રવારે એક વીડિયો શેર કર્યા બાદ આજે ફરી એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે.
રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલનો ઉલ્લેખ કરી મોદી સરકાર પર સાધ્યું નિશાન
રાહુલે આક્ષેપ કર્યો છે કે, એપસ્ટિન ફાઈલમાં મોદીજી, તેમના મંત્રી અને મિત્રનું નામ આવવું, તેમનું નામ જધન્ય ગુનેગાર સાથે જોડાવું શરમજનક વાત છે. તેમનું માનવું છે કે, મોદી સરકારે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરીને દેશ વેંચી નાખ્યો છે. તેમણે આ ડિલ કરીને આપણા દેશનો ડેટા આપી દીધો છે. આ ઉપરતાં ડીલથી ખેડૂતોને ખતમ કરી દેવાની સાથે ટેક્સટાઈલ ઉદ્યોગને પણ બરબાદ કરી નાખ્યો છે. આ બધુ જ શરમની વાત છે.
જધન્ય ગુનેગાર સાથે PM મોદીનું નામ જોડાવું શરમની વાત : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે, ‘મોજીદી, તમે શરમની વાત કરો છો, પરંતુ હું તમને શરમની વાત જણાવું છું. એપસ્ટિન ફાઈલમાં તમારું, તમારા મંત્રી અને તમારા મિત્ર સાથે નામ હોવું, આવા જઘન્ય ગુનેગાર સાથે તમારું નામ જોડાવું - તે શરમની વાત છે. તમે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ કરી છે, આ ડીલમાં તમે દેશને વેંચ્યો છે, તે શરમની વાત છે. આપણા દેશનો ડેટા આપી દીધો, ખેડૂતોને ખતમ કરી દીધા, ટેક્સટાઈલ ઉદ્યોગ બરબાદ કરી નાખ્યો, તે શરમની વાત છે.’
‘મોદીજી મિત્રો માટે જે યોગ્ય લાગે તે કરો, અમે...’
રાહુલે પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, ‘આખો દેશ જાણે છે કે, અમેરિકામાં અદાણીનો કેસ ચાલી રહ્યો છે, જેના કારણે તમારી ઊંઘ ઉડી ગઈ છે. કારણ કે તે ભાજપ અને તમારા ફાઈનાન્શિયલ આર્કિટેક્ચર પર કેસ સમાન છે. આ કેસ મામલે છેલ્લા 14 મહિનામાં કોઈ કાર્યવાહી કરાઈ નથી, જે શરમની વાત છે. મોદીજી તમારે તમારા મિત્રો માટે જે યોગ્ય સમજો, તે કરો. હું અને કોંગ્રેસ પાર્ટીના બબ્બર શેર દેશની રક્ષા કરતા રહીશું. અમે એક ઈંચ પાછીપાની નહીં કરીએ.’

