‘અમારી પાસે 2 રૂપિયા પણ નથી’, કોંગ્રેસનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થતા રાહુલ ગાંધી ભડક્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે દેશમાં લોકતંત્ર નથી. દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશ હોવાની વાતો ખોટી છે. ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસ પાસે 2 રૂપિયા પણ નથી કે તે નેતાઓની મદદ કરી શકે. અહીં સુધી કે ટિકિટ ખરીદવાના પણ પૈસા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું, “દેશમાં દરેક કોઇ જાણે છે કે જ્યારે તેમનું બેન્ક એકાઉન્ટ, એટીએમ કાર્ડ કે તેમની ફાઇનાન્શિયલ આઇડેન્ટીટી મીટાવી દેવામાં આવે તો કેટલી મુશ્કેલી પડે છે. જો આવું કોઇ પરિવાર સાથે કરવામાં આવે તો તે ભુખમરીથી મરી જશે. કોઇ બિઝનેસ સાથે કરવામાં આવે તો તે બરબાદ થઇ જશે.” કોંગ્રેસ નેતાએ કહ્યું, “આવું જ કોંગ્રેસ સાથે કરવામાં આવ્યું છે. અમે પોતાના નેતાઓ, કાર્યકર્તાઓને પૈસા નથી આપી શકતા, કારણ કે એક મહિના પહેલા અમારૂ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે.”
2 રૂપિયાનું પેમેન્ટ પણ મુશ્કેલ: રાહુલ ગાંધી
એકાઉન્ટ ફ્રીઝ થવાનો આરોપ સરકાર પર લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું, “અમારા નેતા હવાઇ મુસાફરી કરી શકતા નથી. અહીં સુધી કે તે ટ્રેનની મુસાફરી પણ કરી શકતા નથી. અમારા માટે પોતાના નેતાઓને એક શહેરથી બીજા શહેરમાં મોકલવા મુશ્કેલ થઇ ગયા છે. આજે અમે જાહેરાત આપી શકતા નથી. દેશના 20 ટકા લોકો અમને મત આપે છે પરંતુ આજે અમે 2 રૂપિયાની પેમેન્ટ કરી શકતા નથી. આવું અમને ચૂંટણીમાં અપંગ બનાવવા માટે કરવામાં આવે છે.”
ભારતમાં લોકતંત્ર નથી- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ બંધારણીય સંસ્થાઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું, “દેશમાં બંધારણીય સંસ્થાઓ હાજર છે. કોર્ટ, ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓએ આ બધુ હોવા છતા કઇ કહ્યું નથી. ભારતમાં લોકતંત્ર છે, આ વાત ખોટી છે. ભારતમાં કોઇ લોકતંત્ર નથી. દુનિયાના સૌથી મોટા લોકતંત્રની વાત ખોટી છે, કારણ કે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું એકાઉન્ટ જ ફ્રીઝ કરી રહ્યાં છે.

